CCTV કેમેરામાં રેઇનકોટ પહેરેલા બે શખ્સ નંબર પ્લેટ વગરની બાઈક પર ફરાર થતા કેદ, કન્સ્ટ્રક્શન સાઇટ બહાર પાર્ક કરેલી સ્કોર્પિયોને નિશાન બનાવી
વડોદરા તા.24
વડોદરાના તરસાલી બાયપાસ વિસ્તારમાં ધોળા દિવસે કન્સ્ટ્રક્શન પર બિલ્ડર પોતાની કારમા રૂ. 9.18 લાખની રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો મૂકી સાઇટ ઓફિસમાં ગયા હતા. થોડા સમય બાદ પરત ફરતા કારનો કાચ તૂટેલો અને રોકડ ભરેલી બેગ ગાયબ હતી. સીસીટીવી ચેક કરતા ફિલ્મી અંદાજમાં
બાઈક પર રેઇનકોટ પહેરીને બે શખ્સ આવ્યા હતા અને કારનો કાચ તોડીને રોકડા રૂપિયા 9.18 લાખ અને દસ્તાવેજ ભરેલી બેગ લઈ જતા કંડારાઈ ગયેલા જોવા મળ્યા હતા. ફૂટેજ ના આધારે પોલીસે બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતા અને બિલ્ડર જીગરકુમાર પ્રવિણભાઈ વાળંદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગુરુવારે સવારે પોતાની સ્કોર્પિયો કાર લઈને તરસાલી બાયપાસ સ્થિત રામનાથ હાર્મોની સાઇટ પર પહોંચ્યા હતા. તેમની પાસે ઘરેથી લાવેલા રૂ. 8 લાખ રોકડા હતા. ત્યારબાદ તેઓ વાઘોડિયા રોડ પર આવેલી રામનાથ આઈકોન સાઇટ પર ગયા, જ્યાં કંપનીના સભ્ય પાસેથી વધુ રૂ.9.18 લાખ રોકડા લીધા હતા.
પછી તેઓ ફરી તરસાલી સ્થિત સાઇટ પર આવ્યા અને રોકડથી ભરેલી કોફી કલરની બેગ કારમાં મૂકાવી હતી. બેગમાં રોકડ ઉપરાંત બેંકની પાંચ ચેકબુક, પાનકાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો પણ હતા. બપોરે ઘરે જવા નીકળતા કારનો પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો અને રોકડ રકમ અને દસ્તાવેજોની બેગ ગાયબ હતી.
સાઇટના CCTV ફૂટેજ તપાસતાં બપોરે આશરે 4:14 વાગ્યે બે અજાણ્યા શખ્સ કાળા રંગના રેઇનકોટ પહેરી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમાં પાછળ બેઠેલો શખ્સ નીચે ઉતરી કારનો કાચ તોડી રોકડ અને દસ્તાવેજોથી ભરેલી બેગ લઈને પળવારમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓને
ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.