Entertainment

નીટ મુદ્દે મૌનને લઈને અજય દેવગણ ઘેરાયો, ‘સિંઘમ’ પોસ્ટ બાદ નેટિઝન્સે કર્યા સવાલો

બોલિવુડ અભિનેતા અજય દેવગણ તેની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’ની એનિવર્સરી નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કર્યા બાદ ભારે ટ્રોલિંગનો શિકાર બન્યો છે. ફિલ્મની સફળતાની યાદ તાજી કરવાના પ્રયાસ વચ્ચે સોશિયલ મીડિયા યુઝર્સે અજય દેવગણના વાસ્તવિક જીવનમાં મૌન રહેવાના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે ફિલ્મોમાં બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવી સરળ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં મહત્વના સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો વધુ જરૂરી છે. કેટલાક લોકોએ લખ્યું કે “અસલી હીરો તો પ્રકાશ રાજ છે, સિંઘમ નહીં.”

તાજેતરમાં નીટ (NEET) પરીક્ષા મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અભિનેતા પ્રકાશ રાજ ખુલ્લેઆમ જોડાયા હતા. જ્યારે અજય દેવગણ સહિત ઘણા જાણીતા ફિલ્મ કલાકારોએ આ મુદ્દે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. આ જ બાબતને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમની ટીકા કરી હતી.

કેટલાક યુઝર્સે લખ્યું કે ફિલ્મી હીરો માત્ર પડદા પર જ બહાદુરી બતાવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં સત્તા સામે બોલવાની હિંમત દાખવતા નથી. બીજી તરફ, પ્રકાશ રાજની પ્રશંસા કરતાં અનેક લોકોએ જણાવ્યું કે તપાસ એજન્સીઓની કાર્યવાહી અને અન્ય દબાણ છતાં તેઓ પોતાના વિચારો પર અડગ રહ્યા છે અને જાહેર મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલે છે. આ ચર્ચા વચ્ચે ‘સિંઘમ’ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ મૂળ તમિલ ફિલ્મની હિન્દી રિમેક હતી અને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળ રહી હતી. આ ફિલ્મની સફળતા બાદ રોહિત શેટ્ટીએ પોતાના લોકપ્રિય ‘કોપ યુનિવર્સ’ની શરૂઆત કરી હતી.

ત્યારબાદ ‘સિંબા’માં રણવીર સિંહ, ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર અને બાદમાં ‘સિંઘમ અગેઇન’માં અનેક મોટા સ્ટાર્સને સાથે લઈને કોપ યુનિવર્સને વધુ વિસ્તૃત કરવામાં આવ્યું હતું. આ તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી હતી અને દર્શકોનો સારો પ્રતિસાદ મેળવ્યો હતો. જોકે, આ વખતે ‘સિંઘમ’ની વર્ષગાંઠની ઉજવણી કરતાં વધુ સોશિયલ મીડિયા પર અજય દેવગણના મૌન અને પ્રકાશ રાજના વલણ અંગે ચર્ચા જોવા મળી રહી છે. ફિલ્મી પાત્ર અને વાસ્તવિક જીવન વચ્ચેની તુલનાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

Most Popular

To Top