Comments

જોં ડ્રીઝ: લોકોની વચ્ચે ચાલતા અર્થશાસ્ત્રીને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર

અર્થશાસ્ત્રનું મહત્વ સંપત્તિને વધારતી વિદ્યાશાખા તરીકે છે, એમાં સંપત્તિની અસમાન વહેંચણીને કારણે ઉદભવતા પ્રશ્નોની ચર્ચા પાછલી સીટ પર જતા રહેતા હોય છે. એટલે અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે એ.સી. રૂમમાં બેસીને નીતિ વિષયક વાત કરતા જોવા મળે. ખૂબ ઓછા અર્થશાસ્ત્રી એવા છે જેમણે શૈક્ષણિક સંશોધન અને જમીની સ્તરના સામાજિક કાર્યને અસરકારક રીતે જોડ્યા હોય. એવું એક નામ છે પ્રોફ. જોં ડ્રીઝ. છેલ્લા ચાર દાયકાથી તેઓ ગરીબી, અસમાનતા, સામાજિક કલ્યાણ અને લોકશાહી અધિકારો અંગેનો મહત્વના અવાજોમાંના એક રહ્યા છે.

તેમણે સાબિત કર્યું છે કે અર્થશાસ્ત્ર માત્ર નાણાંની લેવડદેવડ સમજવા માટે જ નહીં, પરંતુ સમાજને વધુ ન્યાયી બનાવવા માટે પણ ઉપયોગી બની શકે છે. બેલ્જીયમમાં જન્મેલા ડ્રીઝે ૨૦૦૨માં ભારતની નાગરિકતા સ્વીકારી. દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં અર્થશાસ્ત્રના પ્રધ્યાપનનું કામ કર્યું. જોકે, તેમનું કામ માત્ર યુનિવર્સિટીઓ અને નીતિગત મંચો સુધી મર્યાદિત નથી રહ્યું. તેમણે ગામડાઓમાં રહીને સામાન્ય લોકો વચ્ચે કામ કર્યું છે. લોકોના જીવન સાથેનો આ સીધો સંપર્ક તેમના સંશોધન કાર્યની સૌથી મોટી ઓળખ બની.

તેમણે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન સાથે ઘણું કામ કર્યું, જેમાં તેમણે વિકાસને માત્ર આર્થિક વૃદ્ધિ સાથે સરખાવતી પરંપરાગત વિચારધારાને પડકારી અને દલીલ કરી કે વિકાસનું સાચું માપદંડ લોકોની ક્ષમતાઓ છે-અર્થાત્ તેઓ કેટલું સ્વસ્થ, શિક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. ભૂખમરો, કુપોષણ, શિક્ષણ અને જાહેર સેવાઓ અંગેના તેમના અભ્યાસોએ દર્શાવ્યું કે ગરીબ અને વંચિત લોકોના જીવનમાં સુધારો લાવવા માટે લોકશાહી સંસ્થાઓ અને રાજ્યની સક્રિય ભૂમિકા અત્યંત જરૂરી છે.

પ્રો. ડ્રીઝનું માનવું છે કે અર્થશાસ્ત્રીઓએ પોતાના કચેરીઓ અને સંશોધન સંસ્થાઓની બહાર નીકળી લોકોના જીવનને નજીકથી સમજવું જોઈએ. તેમણે રોજગારના અધિકાર, અન્ન સુરક્ષાના અધિકાર, માહિતીનાં અધિકાર તેમજ શિક્ષણના અધિકાર માટેના વિવિધ જનઆંદોલનો સાથે કામ કર્યું છે. તેઓ એ વિચારધારાના સમર્થક રહ્યા છે જે માને છે કે વિકાસની પ્રક્રિયા તેમજ એની ફલશ્રુતિ પર સૌનો અધિકાર હોવો જોઈએ. એટલે જ તેમના મતે ખોરાક, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતોને સરકારની દયા કે કલ્યાણકારી યોજનાઓ તરીકે નહીં, પરંતુ નાગરિકોના અધિકાર તરીકે જોવી જોઈએ. જ્યારે લોકો આ સુવિધાઓને પોતાના અધિકાર તરીકે માંગે છે ત્યારે લોકશાહી વધુ જવાબદાર બને છે.

તેમની આ દલીલનો પ્રભાવ ઐતિહાસિક રીતે મહત્વના બે કાયદાઓમાં સ્પષ્ટ જોવા મળે છે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ. મનરેગા લાખો ગ્રામિણ પરિવારોને રોજગારનો કાનૂની અધિકાર આપે છે, તેવી જ રીતે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કરોડો લોકોને સસ્તા અનાજનો અધિકાર આપે છે. આ બંને કાયદાનું મહત્વ એ છે કે તેમાં સામાજિક સુરક્ષાને સરકારની દયાની લ્હાણી નહિ પણ લોકોનો અધિકારો માનવામાં આવ્યા છે. જે છેવાડાના નાગરિક માટે સન્માનપૂર્ણ જીવનની વ્યવસ્થા ઊભી કરે છે. આ બંને કાયદાને આકાર આપવામાં પ્રો. ડ્રીઝની ભૂમિકા મહત્વની છે.

પ્રો. ડ્રીઝના અનેક વિદ્વતાપૂર્ણ લખાણોની વચ્ચે એમના જમીની અનુભવો વર્ણવતું પુસ્તક– “Sense and Solidarity: Jholawala Economics for Everyone” વાંચતા તેમની સામાજિક અસમાનતાને દૂર કરવા માટેના માળખાકીય ઉપાયો પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે. એટલે જ અસમાનતા ઘટાડવા માટેના તેમના જીવનભરના યોગદાનને તાજેતરમાં ગ્લોબલ ઇનઇક્વાલિટી રિસર્ચ એવોર્ડ (GiRA) દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે.

આ પુરસ્કાર એવા વિદ્વાનોને આપવામાં આવે છે જેમનું કાર્ય અસમાનતાને સમજવામાં અને વધુ સમાનતાવાદી સમાજના નિર્માણ માટે નીતિઓ ઘડવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. ૨૦૨૪માં પેરીસની બે સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલો આ પુરસ્કારનું વિશેષ મહત્વ છે કારણકે, વિશ્વના દેશોમાં અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યા છે, પરંતુ વિકાસના લાભો સમાજના નાનકડા વર્ગ સુધી જ કેન્દ્રિત થઈ રહ્યો છે. અમેરિકા જેવા વિકસિત દેશોથી લઈને ભારત જેવી વિકસતી અર્થવ્યવસ્થાઓ સુધી આવક, સંપત્તિ, શિક્ષણ અને તકોમાં અસમાનતા વધી રહી છે. આવી સ્થિતિમાં પ્રો. જોં ડ્રીઝનું કાર્ય આપણને યાદ અપાવે છે કે માત્ર આર્થિક વૃદ્ધિ થવાથી આપોઆપ સામાજિક ન્યાયની ખાતરી મળતી નથી.

જ્યારે અસમાનતા વધે છે ત્યારે અધિકાર આધારિત નીતિઓનું મહત્વ વધુ વધી જાય છે, જેથી વિકાસના ફળો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. જોં ડ્રીઝનું કામ એ વાતનો પુરાવો છે કે અર્થશાસ્ત્ર માત્ર બજારો વિશે નથી; પરંતુ તે માનવ ગૌરવ, સામાજિક ન્યાય અને લોકશાહી જવાબદારી વિશે પણ છે. એકવીસમી સદીમાં જ્યારે અસમાનતા એક મોટો પડકાર બની ગઈ છે, ત્યારે જોં ડ્રીઝના વિચારો વધુ ને વધુ પ્રાસંગિક અને જરૂરી બની ગયા છે. પ્રો. ડ્રીઝ્ની સાથે અસમાનતા સામે ઝઝુમતા સંશોધકોને સન્માનવા માટે GiRA ને પણ અભિનંદન.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top