Gujarat

IPL 2026 ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટ: મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ: IPL 2026ની ફાઇનલ મેચ બાદ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ સાથે એક ગંભીર અકસ્માત ઘટતા-ઘટતા ટળી ગયો હતો. ફાઇનલમાં પરાજય બાદ રવિવારે મોડી રાત્રે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સ્ટેડિયમથી હોટેલ લઈ જતી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.

ગઈકાલે રવિવારે રાત્રે IPL 2026ની ફાઇનલ મેચ બાદ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ હોટલ પરત ફરી રહી હતી ત્યારે વાયરિંગમાં સર્જાયેલી ખામીને કારણે એન્જિન અને કેબિનના ભાગમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડ્રાઇવરે તાત્કાલિક બસને રોડ કિનારે ઊભી રાખી હતી. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અને ટીમ મેનેજમેન્ટે ઝડપી કાર્યવાહી કરીને તમામ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને મેડિકલ ટીમના સભ્યોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા.

સદનસીબે ઘટનામાં કોઈ પણ ખેલાડી કે સ્ટાફ સભ્યને ઇજા પહોંચી નહોતી.

થોડા સમય સુધી ટીમના ખેલાડીઓને રસ્તા કિનારે રાહ જોવી પડી હતી, ત્યારબાદ મેનેજમેન્ટ દ્વારા વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ સભ્યોને સુરક્ષિત રીતે હોટેલ પહોંચાડવામાં આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ફાઇનલમાં 5 વિકેટે પરાજય થતાં બીજી વખત IPL ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહ્યું હતું, ત્યારે મેચ બાદ બનેલી આ ઘટનાએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની ચિંતા વધારી હતી.

Most Popular

To Top