બાળકીની ચીસો સાંભળી પરિવારજનો દોડી આવ્યા, દીપડાને ભગાડી કર્યો બચાવ
થોડા દિવસ પહેલાં જ એક દીપડો પાંજરે પુરાયો હતો, ફરી દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત
પાવીજેતપુર, તા. 31 ()
પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે દીપડાએ 6 વર્ષની બાળકી પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સદનસીબે પરિવારજનોની સતર્કતાના કારણે બાળકીનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, બાળકી ઉનાળુ વેકેશન દરમિયાન તેના મામાના ઘરે આવી હતી. સાંજના સમયે તે ઘરનાં આંગણામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને ભગાડી બાળકીનો બચાવ કર્યો હતો.
હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી બાળકીને તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા મુજબ બાળકીનો સદનસીબે સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારમાં એક દીપડો પાંજરે પુરાયો હતો. તેમ છતાં આજે ફરી અન્ય એક દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. ગામલોકોએ વન વિભાગ સમક્ષ દીપડાના વધતા સંચાર પર નિયંત્રણ લાવવા અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર: આરીફ ખત્રી