National

વડાપ્રધાનના કટાક્ષ પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘પોતાની ગરિમા ભૂલીને PM તુચ્છ વાતો કરી રહ્યા છે’

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈને રાજકીય પક્ષો (Political parties) વચ્ચે હાલ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી (Congress Party) ફરી એકવાર પોતાના નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) બચાવમાં સામે આવી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) ‘ડરશો નહીં, ભાગશો નહીં’ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો.

વાસ્તવમાં રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમજ તેઓ કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બીજેપીના મહાનુભાવો લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી પણ અગાવ બે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ પણ 2014માં વારાણસી અને વડોદરા સીટ એમ બે સીટો પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. બાદમાં તેમણે વડોદરા મતવિસ્તાર છોડી દીધો હતો.

વડાપ્રધાન પર તુચ્છ વાતો કરવાનો આરોપ
અ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર તુચ્છ વાતો કરવાનો અને પોતાની ગરિમા ભૂલી જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદી ડરી ગયા છે. ખડગેએ કહ્યું, ‘તેઓ પોતાની ગરિમા છોડીને તુચ્છ વાતો કરે છે અને હુમલા કરે છે. તેમને જવાબ આપવાનો કોઈ અર્થ નથી. કોણ ડરે છે? રાહુલ ગાંધી ડરતા નથી. પીએમ મોદી પોતે વારાણસી ભાગી ગયા છે.

પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો
પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં આયોજિત ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાથી ડરે છે. આ જ કારણ છે કે આ વખતે તેમણે અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મોદીએ કહ્યું કે વાયનાડથી હારના ડરથી રાહુલ ગાંધી પોતાના માટે સુરક્ષિત બેઠક શોધી રહ્યા છે. પીએમ મોદીએ રાહુલ ગાંધીને ડરવાની કે ભાગવાની કોશિશ ન કરવા કહ્યું.

પીએમ મોદીએ રાહુલને બે સીટો પરથી ચૂંટણી લડવા પર ટોણો મારતા કહ્યું હતું કે, ‘મેં પહેલા જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી રાજકુમાર પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક પસંદ કરવી પડી છે. આ લોકો આસપાસ જાય છે અને બધાને કહે છે – ડરશો નહીં! હું પણ તેમને એ જ કહીશ – ડરશો નહીં! ભાગશો નહિ!’

અમેઠી 2019 સુધી રાહુલ ગાંધીનો ગઢ હતો. જોકે, 2019માં સ્મૃતિ ઈરાનીએ તેમને 55000થી વધુ વોટથી હરાવ્યા હતા. ગાંધી પરિવારના વફાદાર કિશોરી લાલ શર્મા ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સાથે થશે.

Most Popular

To Top