Vadodara

લુણાવાડાના હાડોડ ગામ પાસે નદીમાં કાર ખાબકતાં એકનું મોત

જર્જરીત પુલના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ બની નદીમાં ખાબકી

(પ્રતિનિધિ) લુણાવાડા તા.2

લુણાવાડાના હાડોડ ગામમાં મહીનદી પરના જર્જરિત પુલ પરથી કાર નદીમાં ખાબકતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ પુલના તુટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતાં તે બેકાબુ બની નદીમાં ખાબકી હોવાનું જણાયું હતું. આ કારમાં અન્ય કોઇ વ્યક્તિ સવાર હતી કે કેમ ? તે અંગે રહસ્ય સર્જાયું હતું. આથી, પોલીસે તરવૈયાની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી હતી.

લુણાવાડાના હાડોડ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જુના પલ પરથી પુરપાટ ઝડપે જતી કાર અચાનક નદીમાં ખાબકી હતી.આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તરવૈયાની મદદ લીધી હતી. જેમાં યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જ્યારે આ કારમાં અન્ય કોઇ વ્યક્તિ સવાર હતા કે કેમ ? તે જાણી શકાયું નથી. બીજી તરફ કાર નદીના પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.

આ બનવા અંગેની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તાપસ હાથ ધરી છે. હાલ નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચીયા ગામના વતની મયુર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. કાર લઈને આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવ્યું છે. લુણાવાડા પાલિકાની ફાયર ટીમ અને ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, સહિતનો કાફલો ઘટનાસ્થળે ખડકાયો છે. સાથોસાથ નદીમાં ખાબકેલી કારમાં સવાર અન્ય કોઈ હતું કે કેમ તેની શોધખોળ હાથ ધરી હતી.

Most Popular

To Top