National

જમ્મુ-કાશ્મીર: 20 કિલોમીટર સુધીનો વિસ્તાર કોર્ડન, ડ્રોનની મદદથી કરાઈ રહી છે આતંકવાદીઓની શોધખોળ

જમ્મુ: (Jammu) જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લાના સુરનકોટ તહસીલના ડન્ના શાહસિતાર વિસ્તારમાં શનિવારે સાંજે એરફોર્સના (Air Force) વાહનો પર થયેલા આતંકી હુમલા બાદ આતંકીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. સુરનકોટ અને મેંઢરના 20 કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. રવિવારે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન અને અન્ય સાધનોની પણ મદદ લેવામાં આવી રહી છે.

સુરક્ષા દળોએ રવિવારે નજીકના ગામ ગુરસાઈમાંથી છ લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ ફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા વિકાસ ડેપ્યુટી કમિશનર પુંછ યાસીન મોહમ્મદ ચૌધરી અને એસએસપી પુંછ યુગલ મનહાસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પૂંચમાં આકાશમાંથી પણ આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે
પૂંચ જિલ્લાના શાહસિતારમાં પણ હવાઈ દેખરેખ ચાલુ છે. એરફોર્સ અને આર્મીના હેલિકોપ્ટર અલગ-અલગ વિસ્તારોમાં આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે. આતંકવાદી હુમલામાં ઘાયલ ભારતીય વાયુસેનાના પાંચ સૈનિકોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ચાર જવાનોની સારવાર ચાલી રહી છે.

સુરક્ષા દળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને એસઓજીના એક હજારથી વધુ જવાનોએ આ વિસ્તારમાં પોઝીશન જાળવી રાખી છે. આતંકવાદીઓએ એરફોર્સના વાહનો પર હુમલો કર્યો છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ આધુનિક હથિયારો અને સાધનો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આ સાથે જિલ્લાના પ્રવેશદ્વાર ભીમ્બર ગલીથી પુંછ સુધી અને જમ્મુ-પૂંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિશેષ ચેકપોઇન્ટ બનાવીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને તેમના આઇડેન્ટિટી કાર્ડ ચેક કર્યા બાદ જ આગળ મોકલવામાં આવી રહ્યા છે.

ઘાયલ સૈનિકોને છાતી, માથા અને ગરદન પર ગોળીઓ વાગી
હુમલામાં ઘાયલ જવાનોને છાતી, માથા અને ગરદન પર ગોળીઓ વાગી હતી. આના પરથી લાગે છે કે આતંકવાદીઓએ આગળથી વાહનને ઘેરી લીધું અને ગોળીબાર કર્યો. શહીદ જવાન વિકી પહાડેને છાતી અને માથામાં ગોળી વાગી હતી. આ સાથે બાસુને ગરદન અને છાતી પર બે ગોળી વાગી હતી. બીકે સિંહની છાતી પર પણ ગોળીના ઘા છે. ધાભીને જમણા હાથ પર ગોળી વાગી હતી. જ્યારે અન્ય બે લોકો કરચથી ઘાયલ થયા હતા.

Most Popular

To Top