Vadodara

સાવલી પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે સગા ભાઈના મોત

સમલાયા-ગાંગડીયા રોડ પર ફુલ સ્પીડમાં આવતા ડમ્પરચાલકે તેમની બાઈકને અડફેટે લીધી

વડોદરાના સાવલીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પરચાલકે બાઇકચાલકને અડફેટે લેતાં બે સગા ભાઈના ઘટના સ્થળે મોત થયા છે. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, બાઇકચાલક યુવક તેના નાના ભાઈને મામાના ઘરે મૂકવા જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બંને સગા ભાઈના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વડોદરાના સાવલી લાટના ગામે રહેતા 21 વર્ષીય ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર તેના 17 વર્ષીય નાના ભાઈ તુષાર રાજેન્દ્ર સિંહ પરમારને મામાના ઘરે મુકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન સમલાયા-ગાંગડીયા રોડ પર ફુલ સ્પીડમાં આવતા ડમ્પરચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બંને સગાભાઈ હવામા ફંગોળાઈ જમીન પર પટકાતા હતા. બંને ભાઈઓને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

આ ગોઝારા અકસ્માતના બાદ લોકોના ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત અંગેની જાણ સાવલી પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંને સગા ભાઈઓના મૃતદેહને સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ઘટના સ્થળે ડમ્પર મૂકી ફરાર થઇ ગયેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top