Editorial

જમીન માલિકીની અસમાનતા: ભારતની એક જૂની સમસ્યા

ભારતમાં અને વિશ્વભરમાં આર્થિક અસમાનતાની ચર્ચા અગાઉ અહીં થઇ ચુકી છે. મિલકતોની વહેંચણીની અસમાનતામાં જમીનની માલિકીની અસમાનતાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં તો જમીનની માલિકીની અસમાનતા ઘણી જ છે અને તે ઐતિહાસિક રીતે લાંબા સમયથી ચાલતી આવી છે. ભારતમાં જમીનની માલિકીની બાબતમાં પ્રવર્તતી અસમાનતાને ઉજાગર કરતો એક વૈશ્વિક અહેવાલ હાલમાં પ્રગટ થયો છે જે ભારતમાં જમીનની માલિકીની વહેંચણીની અસમાનતા પર પ્રકાશ પાડે છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વર્કિંગ પેપર અનુસાર, ભારતના ટોચના ૧૦ ટકા ગ્રામીણ પરિવારો ૪૪ ટકા જમીન ધરાવે છે, જ્યારે ૪૬ ટકા ગ્રામીણ પરિવારો જમીનવિહોણા છે.

‘લેન્ડ ઇનઇક્વાલિટી ઇન ઇન્ડિયા: નેચર, હિસ્ટ્રી, એન્ડ માર્કેટ્સ’ શીર્ષક ધરાવતા આ પેપરમાં વધુમાં જણાવાયું છે કે, ટોચના ૫ ટકા પરિવારો ૩૨ ટકા જમીન ધરાવે છે, જ્યારે ગ્રામીણ જમીનની ૧૮ ટકા માલિકી માત્ર ટોચના ૧ ટકા પરિવારો પાસે છે. આ પેપર નીતિન કુમાર ભારતી, ડેવિડ બ્લેક્સલી અને સમરીન મલિક દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતમાં જમીન માલિકી પરના અત્યાર સુધીના સૌથી મોટા ડેટાસેટ્સ પૈકીના એક પર આધારિત છે. આ અભ્યાસમાં ૨,૭૦,૦૦૦ ગામડાઓના આશરે ૬૫ કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેપરમાં જણાવાયું છે કે, જ્યારે જમીનવિહોણા પરિવારોને ગણતરીમાં લેવામાં આવે છે, ત્યારે સરેરાશ ગ્રામીણ જમીનનો ‘ગિની ઇન્ડેક્સ’ (૦-૧૦૦ ના સ્કેલ પર અસમાનતા માપતો આંક) ૭૧ પર પહોંચે છે.

સરેરાશ રીતે, સૌથી મોટો જમીનધારક ગામની અંદાજે ૧૨ ટકા જમીન પર નિયંત્રણ ધરાવે છે, અને કેટલાક ગામોમાં તો એક જ માલિક પાસે ખેતીલાયક જમીનનો અડધાથી વધુ હિસ્સો છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ (WIL) એ પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ સ્થિત એક સંશોધન પ્રયોગશાળા છે. આ પેપર મુજબ, ભારતના વિવિધ રાજ્યો વચ્ચે જમીન અસમાનતાના સ્તરમાં જોવા મળતી વિવિધતા એટલી જ વિશાળ છે જેટલી વિશ્વના વિવિધ દેશો વચ્ચે જોવા મળે છે. પેપરમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કૃષિ ઉત્પાદકતા અને ઉચ્ચ જમીન અસમાનતા વચ્ચે મજબૂત સંબંધ છે.

ઐતિહાસિક પરિબળોની અસરો વિશે જણાવતા પેપરમાં કહેવાયું છે કે, જે ગામો સીધા બ્રિટિશ શાસન હેઠળ હતા ત્યાં ભારતીય શાસકોના શાસન હેઠળના ગામોની સરખામણીમાં જમીન અસમાનતા વધુ જોવા મળે છે. પેપરમાં સામાજિક સ્તરીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે, જે ગામોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો હિસ્સો વધુ છે ત્યાં જમીન વિહોણા હોવાનું પ્રમાણ પણ વધુ છે, જે ઉત્પાદક અસ્કયામતો સુધી પહોંચવામાં સામાજિક વંશવેલો કેટલી ઊંડી ભૂમિકા ભજવે છે તે દર્શાવે છે.

જો કે, કેરળ અને પશ્ચિમ બંગાળ આમાં નોંધપાત્ર અપવાદ છે, જ્યાં લાંબા સમયથી ડાબેરી પક્ષોનું શાસન રહ્યું છે. અંતમાં પેપર અભિપ્રાય આપે છે કે બજારની પહોંચ ઐતિહાસિક રીતે જડાયેલી અસમાનતાઓને સંપૂર્ણપણે દૂર કરી શકતી નથી; શહેરો, રસ્તાઓ અને બજારોની નિકટતા પણ કુદરતી અને ઐતિહાસિક પરિબળો દ્વારા નિર્મિત જમીન અસમાનતાને બદલવા માટે પૂરતી નથી. જમીન પરની માલિકીની અસમાનતા એ સંપત્તિની અસમાનતા અને કુલ આર્થિક અસમાનતામાં ફાળો આપે જ છે પરંતુ જમીન પરની માલિકી પર ઐતિહાસિક અને વારસાઇ પરિબળો મોટા પાયે અસર કરતા હોવાથી તે અન્ય મિલકતોની માલિકીની અસમાનતા કરતા કંઇક જુદી પડે છે.

આજથી હજારો વર્ષ પહેલા પૃથ્વી પર માણસોની વસ્તી ખૂબ ઓછી હતી અને વિશાળ જમીન ખુલ્લી પડેલી હતી. સબ ભૂમિ ગોપાલ કી જેવી હાલત હતી. સમય જતા માણસ સ્થાઇ થઇને ખેતી કરતો થયો અને વસ્તી પણ વધતી ગઇ તે સાથે જમીન પર માલિકી જમાવવાની શરૂઆત થઇ એમ માનવામાં આવે છે. શરૂઆતમાં આમાં બળિયાના બે ભાગ જેવી સ્થિતિ પણ હશે. જેણે જેટલી જમીન પર કબજો જમાવ્યો હશે તે પોતાના વારસાદારોને આપતા ગયા હશે, વળી આમાં પછી જમીનની લે-વેચના પરિબળો પણ ઉમેરાયા અને જમીનની માલિકીની બાબતની જટિલતાઓ પણ વધતી ગઇ. વસ્તી વધતી ગઇ તેમ જમીન પણ મોંઘી થતી ગઇ.

જો કે અહીં પણ જમીન કયા સ્થળે આવેલી છે, કેવા પ્રકારની છે, કેટલી ફળદ્રુપ છે તે બાબતો પણ અસર કરે છે. આજે પણ બરફથી છવાયેલા પ્રદેશો, રણ પ્રદેશો, ઉજ્જડ પ્રદેશોમાં વિશાળ જમીન વિસ્તારો રેઢા પડ્યા છે પણ આજની તારીખમાં તો તે કશા કામના નથી. બીજી બાજુ, ન્યૂયોર્ક કે મુંબઇ જેવા મહાનગરોમાં જમીનના થોડા ચોરસ ફૂટના ટુકડાના પણ કરોડો રૂપિયા બોલાય છે. તે જ રીતે ખેતીની ફળદ્રુપ જમીનનો પણ ખૂબ ભાવ બોલાય છે. ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય અનેક દેશોમાં પણ જમીનની માલિકીની અસમાનતાનો પ્રશ્ન છે જ. ભારતમાં આ અસમાનતા ઘટાડવા જમીન ટોચ મર્યાદા ધારો જેવા પ્રયોગો પણ થયા છે છતાં જમીનની માલિકીની અસમાનતાનો પ્રશ્ન યથાવત રહ્યો જ છે અને આજે તો તે વધુ વકર્યો છે. આર્થિક અસમાનતા ઘટાડવી હશે તો જમીન માલિકીની અસમાનતા ઘટાડવા પણ પ્રયાસો કરવા પડશે.

Most Popular

To Top