ગાંધીનગર : ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં રાજ્યવ્યાપી એક મેગા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ સર્વિસ એકમોમાં વપરાતા પનીર અને ચીઝની ગુણવત્તા તપાસવી, તેની સાચી ઓળખ સુનિશ્ચિત કરવી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો. ખોરાક નિયમન તંત્ર દ્વારા ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવેલી આ તપાસમાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને ઉત્પાદક એકમો પર દરોડા પાડ્યા હતા. આ કામગીરીના આંકડા નીચે મુજબ છે. રાજ્યની ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
જેમાં ૬૫૯ એકમોની તપાસ કરવામાં આવી અને કુલ ૬૭૯ નમૂનાઓનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન તંત્રએ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે “એનાલોગ પનીર” એ નકલી પનીર નથી, પરંતુ તે ડેરી પનીરનો એક વિકલ્પ છે. ગ્રાહકો અને વેપારીઓમાં આ બાબતે સાચી સમજ વિકસાવવામાં તંત્રને સફળતા મળી છે. જોકે, ડિસ્પ્લે બોર્ડ પર તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સ્પેશિયલ ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ઉત્પાદક પેઢીઓ તથા વિક્રેતાઓને ત્યાં પનીર કે એનાલોગના વેચાણ અંગે વધુ સઘન તપાસ કરવામાં આવશે.
ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી
• કુલ તપાસાયેલ એકમો: ૨૫૨૭ (ઉત્પાદક, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા વગેરે)
• નોટિસ ફટકારવામાં આવી: ૨૭૦ એકમોને
• સીલ કરાયેલ પેઢીઓ: ૧૮ એકમોને નિયમોના ઉલ્લંઘન બદલ બંધ કરાવાયા
- વસૂલ કરાયેલ દંડ: ₹ ૨,૮૪,૩૦૦/-
• જપ્ત કરી નાશ કરાયેલ જથ્થો: ૭૦૩ કિલોગ્રામ (અખાદ્ય પનીર/ચીઝ)
• લેવામાં આવેલ નમૂનાઓ: ૯૫ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા