Charotar

આણંદમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીને કેસલેસ સારવાર મળશે

અધિકારી-કર્મચારીઓને આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર મળશે

(પ્રતિનિધિ) આણંદ તા.1

આણંદ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીને ફરજ દરમિયાન આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઝાયડસ હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યાં છે. જે સંદર્ભે તમામ કર્મચારીને કેસલેસ સારવાર આપવામાં આવશે.

આણંદમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારી – કર્મચારીઓના આરોગ્યની ચિંતા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને રાજ્ય ચૂંટણી પંચની લેખિત સુચના મુજબ આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કે જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે, તેમને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તેમને તાત્કાલિક આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા અને તે પણ કેસલેસ સારવાર મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદની ઝાયડસ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે.

આ એમઓયુ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ના અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલ તમામ મુલ્કી સ્ટાફ, પોલીસ કર્મચારી – અધિકારી, કેન્દ્રીય – અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે. જેને ધ્યાને લઈ લોકસભા સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા ઉપર મુજબના કોઈપણ વ્યક્તિને તેમની ચૂંટણી ફરજ દરમ્યાન આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે સારવાર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સારવાર દરમિયાન અધિકારી કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેતું નથી, તથા આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે અધિકારી – કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપવાના હુકમ કરવામાં આવ્યા છે, તેવા અધિકારી – કર્મચારીઓને ફરજના ભાગરૂપે ફરજ દરમિયાન આરોગ્ય લક્ષી સેવા મેળવવાની થશે તેવા કિસ્સામાં તેમના વતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ રકમ ચુકવવામાં આવશે.

Most Popular

To Top