Dakshin Gujarat

મામી સાથે આડા સંબંધનો વહેમ રાખી મામાએ ભાણેજની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો

વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) સ્થિત દમણગંગા પાઈપ એન્ડ સ્ટીલની બાજુની ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી અર્ધ બળેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. જે યુવકની કોઈકે હત્યા કરી ઓળખ છુપાવવા મૃતદેહ સળગાવી દીધો હતો. આ પ્રકરણમાં વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરતા મરણ જનાર યુવક બિહારનો હોવાનું અને તેના મામી સાથે આડા સંબંધના વહેમમાં મામાએ જ તેની હત્યા કરી હોવાનું બહાર આવવા પામ્યું હતું. પોલીસે હત્યા કરનાર ઈસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • મામી સાથે આડા સંબંધનો વહેમ રાખી મામાએ જ ભાણેજની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો હતો
  • વાપીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : મામાએ જ ભાણેજને નશો કરાવી હત્યા કરી મૃતદેહને સળગાવી ભાગી છૂટ્યો હતો

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરતની સૂચના અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલના માર્ગદર્શન મુજબ, વાપીના નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવેના માર્ગદર્શનમાં એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટ, વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.પી.પટેલ તથા સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ સહિત ચાલીઓમાં તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને મહત્વની કડી મળી હતી અને હત્યાના ગુનામાં સંડોવાયેલો ઈસમ વાપી ટાઉન કોળીવાડની ચાલીમાં રહેતો સુરેન રામદેવ સીંગ હોવાની બાતમી મળતા પોલીસે તેની અટક કરી હતી.

પોલીસ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુરેન રામદેવ સીંગ (ઉં.આ.40) અને પોતે મજૂરી કામ કરતો હોવાનું અને ભડકમોરા, ચાર રસ્તા તથા વાપી કોળીવાડની ચાલીમાં પત્ની સાથે રહેતો હોવાનું અને મૂળ બિહારનો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે શકમંદ ઈસની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતાનો ભાણેજ નિતેષ સુરેશ સીંગ (રહે. ભડકમોરા-વાપી મૂળ બિહાર) ની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ હત્યા કરવાનું કારણ પૃછતા તેણે પોલીસને જણાવ્યુ હતુ કે, ભાણેજ નિતેષને મામી સાથે આડા સંબંધ હોવાની તેને શંકા હતી.

પત્ની સાથે આડાસંબંધના વહેમમાં સુરેને ભાણેજ નિતેષને નશો કરાવી રાત્રીના સમયે વાપી દમણગંગા પાઈપ એન્ડ સ્ટીલની બાજુમાં આવેલી ઝાડીઝાંખરાવાળી જગ્યાએ લઈ જઇ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી દીધી હતી અને ઓળખ છતી ન થાય તે માટે સૂકૂ ઘાસ નાંખી મૃતદેહને સળગાવી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આમ, વલસાડ પોલીસ ટીમે વાપીમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી હત્યા કરનાર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

Most Popular

To Top