National

અશ્લીલ વીડિયો કેસમાં સાંસદ પ્રજ્જવલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરાઈ

કર્ણાટકના હાસનથી લોકસભાના ઉમેદવાર અને જેડીએસ નેતા પ્રજ્જવલ રેવન્ના (Prajjwal Revanna) વિવાદોમાં ફસાયા છે. યૌન શોષણના કેસમાં કર્ણાટકના (Karnataka) ગૃહમંત્રી ડો. જી પરમેશ્વરાએ રવિવારે કહ્યું કે પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. ઈન્ટરપોલ પ્રજ્વલ વિશે તમામ દેશોને જાણ કરશે. તેમણે કહ્યું કે પ્રજ્જવલને કેવી રીતે પરત લાવવા તેની તપાસ કરવા માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ જ નિર્ણય લેશે.

એસઆઈટીએ સીબીઆઈને આ કેસમાં પ્રજ્જવલ રેવન્ના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી. તપાસ ટીમે આશા વ્યક્ત કરી હતી કે હાસન સાંસદ વિરૂદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કર્યા બાદ તેના ઠેકાણા અંગે માહિતી મળી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ પ્રજ્જવલ રેવન્ના 27 એપ્રિલે વિદેશ ચાલ્યા ગયા હતા. તેમના વકીલે SIT સમક્ષ હાજર થવા માટે સાત દિવસનો સમય માંગ્યો હતો જેના જવાબમાં તપાસ ટીમે કહ્યું કે આ શક્ય નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ SITને પ્રજ્જવલની ધરપકડ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

બ્લુ કોર્નર નોટિસ શું છે?
ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે જેને ઇન્ટરપોલ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર સંસ્થા ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન સહિતની માહિતી એકત્રિત કરવા માટે બ્લુ કોર્નર નોટિસ બહાર પાડે છે. તપાસ એજન્સીએ ઈન્ટરપોલને નોટિસ માટે વિનંતી કરવી પડે છે. તમને જણાવી દઈએ કે ઇન્ટરપોલ વિવિધ પ્રકારની કાર્યવાહી માટે અલગ-અલગ રંગની કોર્નર નોટિસ બહાર પાડે છે.

તમને જણાવી દઈએ કે 33 વર્ષીય પ્રજ્જવલ રેવન્ના પર ઘણી મહિલાઓના યૌન શોષણનો આરોપ છે અને તેનાથી સંબંધિત ઘણા વીડિયો વાયરલ થયા છે. રેવન્ના પર સેંકડો અશ્લીલ વીડિયો બનાવવાનો પણ આરોપ છે. રાજ્ય સરકારે આ કેસમાં SITની રચના કરી છે. પ્રજ્જવલ કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં 26 એપ્રિલે મતદાન થયું હતું.

હાસન લોકસભા મતવિસ્તારના JDS-BJP ગઠબંધનના ઉમેદવાર પ્રજ્જવલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર તેમના સહયોગી જેડીએસ ઉમેદવારને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે પ્રજ્જવલ વિશે માહિતી હોવા છતાં ભાજપે જેડીએસ સાથે ગઠબંધન કેમ કર્યું?

Most Popular

To Top