Charotar

પેટલાદની પરિણીતાને યુકે લઇ જઇ પતિએ ત્રાસ આપ્યો

પેટલાદની યુવતી સાથે લગ્ન કરી યુકે લઇ ગયા બાદ યુવકે પોત પ્રકાશ્યું

હું દસ પાસ છું, યુકે માટેની સ્પોન્સરશીપ તને જ મળશે તેમ કહી યુકે જવા પ્લાન ગોઠવ્યો

યુકે લઇ ગયા બાદ 1200 પાઉન્ડની નોકરીમાંથી 800 પાઉન્ડ લઇ લેતો હતો

(પ્રતિનિધિ) પેટલાદ તા.4

પેટલાદના ભાટીયેલ ગામમાં રહેતી યુવતીના લગ્ન સુરતના યુવક સાથે થયાં હતાં. જોકે, લગ્નના ટુંકા ગાળામાં જ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમાંય તેનો પતિ યુકે લઇ ગયાં બાદ અપશબ્દ બોલી ત્રાસ આપતો હતો. બાદમાં ભારત આવીને પણ યુવતીનું બીઆરપી કાર્ડ તેની સાથે રાખી પરત યુકે જતો રહ્યો હતો. આ અંગે યુવતીએ ચાર સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના ભાટીયેલ ગામમાં રહેતા કમલેશભાઈ બારોટની દિકરી વૈષ્ણવીના લગ્ન 1લી જાન્યુઆરી,23ના રોજ આકાશ અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ (રહે. અડાજણ, સુરત) સાથે નક્કી થયાં હતાં. બાદમાં 26મી જાન્યુઆરી, 2023ના રોજ બોરસદના ઉમીયા માતાના મંદિરમાં બન્ને પક્ષોના વડીલોની હાજરીમાં હિન્દુ – રિતરીવાજ મુજબ આકાશ અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાદ વૈષ્ણવીના સાસુ સુષ્માબહેન યુકે રહેતાં હતાં. આ લગ્નના થોડા દિવસમાં જ વૈષ્ણવીની નાની બહેન હનીની સગાઇ પણ અક્ષયના નાના ભાઇ જય સાથે થઇ હતી. આ વિધી બાદ થોડા સમય બોરસદ રોકાયાં હતાં. જ્યાં વૈષ્ણવીના સસરા અક્ષયકુમાર યોગેશ બ્રહ્મભટ્ટ, દિયર જય અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ પણ બોરસદ જ રોકાયાં હતાં. આ સમયે સસરા અને મામા સસરા રસોઇમાં મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. આખરે 27મી ફેબ્રુઆરી, 2023ના રોજ સુરત મુકામે રહેવા જતાં રહ્યાં હતાં. આકાશને યુકે જવાનું હોવાથી વૈષ્ણવીનો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ સમયે આકાશે જણાવ્યું હતું કે, હું તો ફક્ત દસ જ પાસ છું. તું બીકોમ સ્નાતક છો. તું અંગ્રેજી સહેલાઇથી શીખી લઇશ અને યુકે માટેની સ્પોન્સરશીપ તને જ મળશે. પતિ તરીકે મને આપોઆપ વિઝા મળી જશે. તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત દિયર જય અક્ષયકુમાર બ્રહ્મભટ્ટે પણ નાની બહેન હનીના સગપણની વાતચીત થયેલી હોવાથી તે પણ સુરત મુકામે રહેવા આવી હતી.

સુરતમાં વૈષ્ણવીની તબિયત સારી ન હોવા છતાં તેને અક્ષય પરાણે બહાર લઇ ગયો હતો. જ્યાં વૈષ્ણવીની તબિયત વધુ લથડતાં તે ગુસ્સે થઇ ગયો હતો અને રોડ વચ્ચે જ અપશબ્દ બોલવા લાગ્યો હતો અને માર પણ માર્યો હતો. આ ઉપરાંત પતિ કોઇ સ્ત્રી મિત્ર સાથે વાતચીત કરતો હતો જે અંગે પુછપરછ કરતાં તેણે તમાચો મારી દીધો હતો. આ અંગે વૈષ્ણવીએ તેના પિયરમાં વાત કરતાં સમાધાન થયું હતું. આ લગ્નના ત્રણ મહિના બાદ જાણવા મળ્યું હતું કે, સસરા દરરોજ દારૂ પીવે છે. તેઓ નશામાં અપશબ્દ બોલતાં હતાં. બાદમાં 23મી જૂન,23ના રોજ યુકે ગયાં હતાં. જ્યાં તેઓ વેમબ્લે શહેરમાં સ્થાયી થયાં હતાં. વૈષ્ણવી તેના સાસુ સુષ્માબહેન સાથે રહેવા લાગ્યાં હતાં. એકાદ મહિનામાં 1200 પાઉન્ડની નોકરી મળી હતી. પરંતુ સાસુએ આ પગારમાંથી આવવાના ખર્ચે પેટેની રકમ આકાશના ખાતામાં જમા કરાવવા સુચના આપી હતી. આથી, વૈષ્ણવી મહિને 800 પાઉન્ડ પતિના ખાતામાં જમા કરાવતી હતી. પરંતુ બે મહિના બાદ સંપૂર્ણ પગાર જમા કરાવી દેતાં હતાં. આ બાબતે વૈષ્ણવીએ વિરોધ કરતાં ત્રાસ આપવા લાગ્યાં હતાં. પાકિટમાંથી પાઉન્ડ પણ કાઢી લેતાં હતાં. આ ઉપરાંત માર મારવા લાગ્યાં હતાં. યુકેમાં આઠ મહિના જેટલી નોકરી કરી હતી. જે નોકરીના 800 પાઉન્ડ લેખે 6400 પાઉન્ડ (રૂ.6,71,200)ના ખાતામાં જમા કર્યાં હતાં.

આ સમયે અમદાવાદ ઉતરાં જ અક્ષયે કહ્યું હતું કે, હાલ તું તારા માતા – પિતા સાથે ઘરે જા. માઇન્ડ ફ્રેસ કર. આરામ કર અને એક દિવસ પછી સમાજની મિટિંગ બોલાવીશું અને સમાધાન કરી તને પાછો સુરત લઇ જઇશ. આ વાતમાં આવી વૈષ્ણવી ભાટીયેલ આવી હતી. પરંતુ સમાન ચેક કરતાં તેમાં બીપીઆર કાર્ડ જોવા મળ્યું નહતું. આ અંગે આકાશને ઘણા ફોન અને મેસેજ કરવા છતાં તેણે કોઇ જવાબ આપ્યો નહતો.  આ અંગે વૈષ્ણવી ઉર્ફે ક્રિષ્નાએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપત પોલીસે તેના પતિ આકાશ અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ, જય અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ, સુષ્માબહેન અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ અને અક્ષયકુમાર બ્રહ્મભટ્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top