Vadodara

વડોદરા : કપુરાઇ બ્રિજ પરથી 17 પશુઓ ભરેલો ટેમ્પો ઝડપાયો, ડ્રાઇવર ક્લીનરની ધરપકડ

ગોધરાથી પશુઓ ભર્યા બાદ વલણના કતલખાને લઇ જવાતા હતા

પશુ મોકલનાર અને મંગાવનાર વોન્ટેડ જાહેર કરાયા

ગોધરાથી 17 પશુઓ ભરી વલણ ખાતે કતલના ઇરાદે લઇ જતા ટેમ્પાને કપુરાઇ ચોકડી બ્રિજ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી પશુઓને સહીસલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. પશુઓ અને ટેમ્પા સહિતનો મુદ્દામાલ કબજે કરી પશુ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

નેશનલ હાઇવે 48 પરથી અવારનવાર ટેમ્પામાં પશુઓની હેરાફેરા કરાતી હોય છે. ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડ્યો હતો. ત્યારે ફરીવાર કપુરાઇ ચોકડી પરથી કતલખાને લઇ જવાતા પશુઓ ભેરલો ઝડપાયો હતો. વડોદરા શહેરની કપુરાઇ ચોકડી ઓવર બ્રિજ પરથી પ્રાણીક્રુરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઇ ઓવર બ્રિજ પરથી કતલના ઇરાદે લઇ જવાતા 17 પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઇવર અને ક્લીનર મળી આવ્યા હતા. જેથી પોલીસે ડ્રાઇવર મોહસીન હુસેન બુમરાહ તથા સુફિયાન રમજાન ઘાંચી( બંને રહે. ગોધરા)ને ઝડપી પાડ્યા બાદ તેમની પૂછપરછ કરતા તેઓ ગોધરા ખાતે રહેતા ઇકબાલ મહોમદ ઘોચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો. આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઇ જવાતા હતા. જેથી પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી 17 અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પશુ મોકલનાર ઇકબાલ મહમદ ઘોંચુ (રહે. ગોધરા) અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે.   

Most Popular

To Top