Charotar

સેવાલીયામાં 3 રીઢા ગુનેગાર 2 પિસ્તોલ – તમંચા સાથે પકડાયાં

ભાવનગરના ત્રણ કૂખ્યાત શખ્સો મધ્યપ્રદેશથી હથિયાર ખરીદી લાવ્યાં

હત્યા, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલા ત્રણેય મોટા ગુનાને અંજામ આપવા જતાં હોવાની શંકા

સેવાલીયા પોલીસે મહારાજના મુવાડા ગામ નજીક રોકેલી ખાનગી બસમાં તલાસી લેતા ત્રણ કૂખ્યાત શખ્સ જોવા મળ્યાં હતાં. આ શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી 2 પિસ્તોલ અને એક તમંચો મળી આવ્યો હતો. આ શખ્સો લૂંટ, હત્યા સહિતના ગુનામાં સંડોવાયા છે અને તેઓ મધ્યપ્રદેશથી હથિયાર ખરીદી મોટા ગુનાને અંજામ આપવા જતા હોવાની શંકા ઉભી થઇ છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી છ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

સેવાલીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. રાવલને બાતમી મળી હતી કે, બહારના રાજયમાંથી આવતા વાહનોમાંથી હથીયારો તેમજ વિદેશી દારૂની હેરાફેરી થાય છે. આ બાતમી આધારે પીએસઆઈ એમ.એચ. રાવલે ટીમ બનાવી ગોધરા તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાનમાં ગૌરીપુત્ર નામની ખાનગી બસ આવતા તેને રોકવામાં આવી હતી. આ બસમાં તલાસી લેતાં ડ્રાઇવર સાઇડની ત્રણ નંબરની સીટમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યાં હતાં. જેઓ પોલીસને જોઇ આઘાપાછા થતાં હતાં. આથી, આ ત્રણમાંથી એક શખ્સની તલાસી લેતા કમરમાંથી પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત નાઇટીના ખિસ્સામાંથી કારતુસ મળી આવ્યાં હતાં. જ્યારે બીજા શખ્સ પાસેથી પણ પિસ્તોલ અને ત્રીજા શખ્સ પાસેથી દેશી તમંચ મળી આવ્યો હતો. આમ, ત્રણેય શખ્સ પાસેથી બે પિસ્તોલ અને એક તમંચો મળી આવતાં તેમની અટક કરી પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં પુછપરછ કરતાં મજબુતસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ઉ.વ.34, રહે. ભડલી, તા. સિહોર, જિ. ભાવનગર), નરેશ ઉર્ફે લતીફ નંદરામ જાડેલા (રહે. દેવગાણા, તા. સિહોર, જિ. ભાવનગર), દીલીપ ઉર્ફે સુખો બાલા મકવાણા કોળી (રહે. દિહોર, તા. તળાજા, જિ.ભાવનગર) હોવાનું જણાવ્યું હતું. આ હથિયાર અંગે તેમની પાસેથી કોઇ પરવાના ન હતાં. આથી, પોલીસે ત્રણેયના હથિયાર કબજે કરી મજબુતસિંહ, નરેશ અને દીલીપ સામે ગુનો નોંધી આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમને આ હથિયાર કુક્ષી મધ્યપ્રદેશના સરદારજી પાસેથી ખરીદ્યા હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે સરદારજી સામે પણ ગુનો નોંધ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે 2 પિસ્તોલ, એક તમંચો, 9 કારતુસ, રોકડ, મોબાઇલ મળી કુલ રૂ.84,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  આ ત્રણેય શખ્સ રીઢા ગુનેગાર છે અને તેઓ પરપ્રાંતમાંથી હથિયાર ખરીદીને લાવ્યા હોવાથી કોઇ મોટા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું પોલીસને શંકા ઉઠી હતી. આ અંગે ત્રણેયને કોર્ટમાં રજુ કરી છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.

Most Popular

To Top