SURAT

મંજુરી મળ્યા બાદ પણ સુરત મનપા સંચાલિત સ્વિમિંગ પુલની ફી નહીં ઘટાડાતા લોકો રોષે ભરાયા

સુરત: શહેરમાં સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા 17 જેટલાં સ્વિમિંગ પુલનું (Swimming Pool) સંચાલન કરવામાં આવે છે. આ સ્વિમિંગ પુલોની ફી (FEE) મામલે લોકોમાં રોષ વ્યાપ્યો છે. આજે વીર સાવરકર ડાઈવિંગ પુલના સભ્યોએ ફી મામલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઠરાવ મંજૂર થયા બાદ પણ ફી નહીં ઘટાડાતા સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યા ઘટવા લાગી છે.

  • ઠરાવ પસાર થયાના ચાર મહિના બાદ પણ સ્વીમીંગ પુલની ફી નહીં ઘટાડાતા લોકોમાં રોષ
  • વીર સાવરકર ડાઈવિંગ પુલના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી

થોડા સમય પહેલાં સુરત મહાનગર પાલિકા દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરાયો હતો. તેથી નિયમિત સ્વિમિંગ કરતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ મામલે રજૂઆત થતા સુરત મહાનગર પાલિકા દ્વારા ફી ઘટાડવાનું નક્કી કરાયું હતું. તે અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. ચાર મહિના પહેલાં તે ઠરાવને મંજૂરી આપી દેવાઈ હતી. તેમ છતાં હજુ સુધી ઠરાવ અનુસાર ફી ઘટાડો લાગુ નહીં કરાતા નિયમિત સ્વિમિંગ કરતા સભ્યો ગુસ્સે ભરાયા છે. આજે વીર સાવરકર ડાઈવિંગ પુલના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત ડાઇવિંગ પૂલની ફી વધારવામાં આવી છે. જેનો વિરોધ સ્વિમિંગ કરતાં મેમ્બરો દ્વારા અનેક વખત કરાયો છે. આ મામલે સુરત મહાનગરપાલિકામાં સ્વિમિંગ પૂલના સભ્યોએ રજૂઆત કરી હતી. અરજીઓ કર્યા બાદ મહાનગરપાલિકાની ઉચ્ચ હોદ્દેદારોની મિટિંગમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પસાર થયાને ચાર મહિના ઉપર વીતી ગયા હોવા છતાં હજુ પણ સભ્યો પાસેથી 4,500 ફી લેવામાં આવે છે.

ડાઇવિંગ પૂલના સભ્ય અતુલ મહેતાએ જણાવ્યું કે, ઠરાવ પસાર થયા બાદ કેમ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો નથી તે સમજાતું નથી. રજૂઆત કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે હાલમાં ચૂંટણીના લીધે આચાર સંહિતા લાગુ છે. તેથી હાલ નહીં થાય. ઠરાવ તો ચાર મહિના પહેલાં મંજૂર કરાયો હતો. મહાનગરપાલિકાના કમિશનરે ઠરાવ પર સહી જ કરવાની છે. અને તે લેટર ડાઇવિંગ પૂલ સુધી પહોંચાડવાનો છે. પરંતુ હજુ સુધી આ કામ થયું નથી. જેથી ફી વધારાને લઈ ઘણા બધા સ્વિમિંગ પૂલના સભ્યો ઘટી ગયા છે. ફી વધારા બાદ સભ્યો ઘટી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારાનો ઠરાવ પાછો ખેંચાયો છે. તે લાગુ કરવામાં આવે તેવી માંગ સ્વિમિંગ પૂલના સભ્યોની છે.

Most Popular

To Top