Entertainment

પ્રિયંકાએ હિન્દીમાં કામ કરવું છે કે નહીં?

પ્રિયંકા ચોપરા હમણાં ભારત આવી તો ફરી સંજય લીલા ભણશાલીને મળી. તેણે હવે હિન્દી ફિલ્મમાં કામ કરવું છે તો કલાસિક સ્તરનું કામ કરવું છે. જો કે ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ માટે ભણશાલીએ પ્રિયંકાને જ ઇચ્છેલી, પણ ત્યારે તેને ફી ઓછી પડેલી. પ્રિયંકા હવે હોલીવુડ ગયા પછી ઓછી ફીમાં કામ કરવા તૈયાર નથી. તે સમજતી નથી કે હિન્દીમાં બનતી ફિલ્મો કાંઈ ઈન્ટરનેશનલ પ્રોજેકટ નથી હોતી. વિદેશમાં સફળ જાય તો આનંદની વાત, પણ તે ફિલ્મો હિન્દીનાં પ્રેક્ષકો માટે જ બનાવાતી હોય છે. જો કે પ્રિયંકાએ તો સાહિર અમૃતા પ્રીતમની પ્રેમકહાણી પરથી બનવાની હતી તે ફિલ્મને પણ ના પાડેલી અને તે એટલા માટે કે તેમાં સાહિરની ભૂમિકા અભિષેક બચ્ચન કરવાનો હતો. સંજય લીલા ભણશાલી પ્રિયંકા સાથે એક એકશન ફિલ્મ બનાવવા ઉત્સુક છે પણ હવે તે તો વાત ફાઈનલ થાય ત્યારે ખરી. પ્રિયંકા હમણાં અયોધ્યાના રામમંદિરમાં દર્શને આવી હતી અને તેની સાથે પતિ નિક જોનાસ ઉપરાંત તેની માલતી નામની દીકરી પણ હતી. પ્રિયંકા દીકરીનું નામ માલતી વિચારે તેનાથી ય સૂચવાશે કે તે ભારત માટે ઘણો આદર ધરાવે છે. પ્રિયંકા આવી તો ભણશાલી જ નહીં ફરહાન અખ્તરનાં ઘરે પણ ગઈ હતી, પણ નવી ફિલ્મ વિશે પાકું થયું નથી. હવે તે ‘ફેશન’, ‘ડોન’, ‘બર્ફી’, ‘મેરી કોમ’, ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’ની અભિનેત્રી નથી રહી. તે ‘કવોન્ટિકો’, ‘બેવોચ’, ‘ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’, ‘ધ મેટ્રીકસ રિસ્યોરેકશન’ અને ‘સીટાડેલ’ની અભિનેત્રી છે. હોલીવુડમાં મળેલું સ્ટારડમ તે ગર્વીલી બની માણી રહી છે. તેણે હિન્દી ફિલ્મો છોડવી નથી પણ તેના સ્ટેન્ડર્ડ અને ફી ઊંચાં હોય તો શું કરવું ? ફરહાન અખ્તર દિગ્દર્શિત ‘જી લે જરા’ પણ જે જોરમાં બનવી જોઇએ એટલા જોરમાં નથી બની રહી, બાકી તો તેની પાસે ‘શીલા’, ‘હેડ્સ ઓફ સ્ટેટ’, ‘કાઉબોય નિન્જા વાઇકિંગ’, ‘એન્ડિંગ થિંગ્સ’ જેવી હોલીવુડની ફિલ્મો છે. હોલીવુડમાં આટલી ફિલ્મો હોય તો તે હમણાં હિન્દીમાં કામ કરી પણ ન શકે કારણકે હિન્દીમાં પણ ભણશાલી કે ફરહાન જેવાની ફિલ્મમાં કામ કરે તો તેઓ દરેક ફિલ્મમાં સમય લે છે. હોલીવુડમાં જે સમય આપે તે અહીં પણ આપવો પડશે. પ્રિયંકા ખૂબ સારી એકટ્રેસ છે પણ તેને હવે ખાસ વિષય, પાત્રોની અપેક્ષા રહે છે. તેના માટે શેખરકપૂર, ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શક પણ સારા વિષય વિચારી શકે, પરંતુ પ્રિયંકાએ પોતાની શરતો જરા ઢીલી કરવી જોઇએ. તેના માટે હિન્દી ફિલ્મોમાં અત્યારે પણ જગ્યા છે પણ તેની સાથે કામ કરી શકે એવા હીરોમાં ઋતિક, શાહરૂખ, આમીર વગેરે જ છે. •

Most Popular

To Top