Dakshin Gujarat

ચલથાણમાં પોલીસની નાકાબંધી તોડી બુટલેગર ભાગવા ગયો અને દારૂ ભરેલી કાર ડિવાઇડર સાથે ભટકાઈ..

પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબીની (LCB) નાકાબંધી તોડી ભાગવા ગયેલ બુટલેગરની કાર (Car) ચલથાણની રામ કબીર સોસાયટી પાસે ડિવાઇડર સાથે અથડાઇ હતી. કારમાં સવાર બંને ઇસમો પોલીસને જોઈને કાર સ્થળ પર જ છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે કારમાંથી 84 હજારનો વિદેશી દારૂ મળી કુલ 3.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચલથાણ ખાતે રહેતો રીષભ દુબે પોતાની સફેદ કલરની સ્કોડા રેપિડ કાર નંબર જીજે 21 એક્યુ 8883માં દમણથી દારૂ ભરી ચલથાણ ગામે આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે ચલથાણ ગામની સિમમાં પ્રિન્સ હોટલ પાસે નાકાબંધી કરી હતી. થોડીવારમાં બાતમી મુજબની કાર આવતા જ તેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલક નાકાબંધી તોડીને કાર ચલથાણ ગામ તરફ હંકારી ગયો હતો.

આથી પોલીસે ખાનગી વાહનોમાં બેસી કારનો પીછો કરતાં કાર ચાલકે પોતાની કાર ચલથાણ બજારમાં થઈ રેલ્વે ફાટક પસાર કરી આગળ જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં રામકબીર સોસાયટી પાસે ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. પોલીસને જોઈને કારમાંથી ચાલક રીષભ અને અન્ય એક ઈસમ અંધારોનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે કારમાંથી 720 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 84 હજાર, એક કાર કિંમત રૂ. 2.50 લાખ મળી કુલ 3.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીક બે ઇસમો બે બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રિક્ષાની રાહ જોઈને ઉભેલા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની ૫૬ નંગ બોટલ તેમજ એક ફોન મળી કુલ રૂ.૨૦હજારથી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સિલવર સિટીમાં રહેતો જીતેન્દ્રકુમાર સીતારામસિંગ અને મેદની દીપલાલ રાયને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે પૂછપરછ કરતા તે જથ્થો બોરિવલીથી કપિલ નામના ઇસમે ભરી આપી અંકલેશ્વરની બેઇલ કંપની સુધી લઈ જવાનું જણાવ્યુ હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top