SURAT

સિંગણપોર કોઝવેના કિનારેથી યુવકની લાશ મળી, ગળું કાપી કોઈ ફેંકી ગયું

સુરત: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરી બેફામ બની છે. 24 કલાક વીતે નહીં ત્યાં હત્યાના બનાવો બની રહ્યાં છે. ચાલુ અઠવાડિયે પાંચમા મર્ડરની ઘટના સામે આવી છે. આજે સવારે તાપી નદીના સિંગણપોર કોઝવેના કાંઠે એક યુવકની લાશ મળી છે. કોઈ અજાણ્યા ઈસમો હત્યા કરી લાશ ફેંકી ગયા હોવાની આશંકા છે. પોલીસે યુવકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોર્સ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું શહેર જ અસુરક્ષિત બન્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. શહેરમાં દારૂ, જુગાર, ચોરી, લૂંટફાંટની સાથો સાથ હત્યાના કિસ્સા પણ ચિંતાજનક હદે વધ્યો છે. અસામાજિક તત્વો જાહેરમાં મર્ડર કરતા ગભરાતા નથી. થોડા દિવસ પહેલાં લિંબાયત, વરાછા અને રિંગરોડ સબજેલની સામે જાહેરમાં હત્યાના બનાવ બન્યા છે ત્યાં હવે સિંગણપોર કોઝવેના કિનારેથી એકલાશ મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી છે. ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મૃત યુવકની ઉંમર અંદાજે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. યુવકે આછા કાળા કલરનું 07 ખભા પર લખેલું ટી શર્ટ પહેર્યું છે. જેના આધારે હાલ તપાસ આદરી દેવામાં આવી છે. એક પછી એક હત્યાને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Most Popular

To Top