Entertainment

કોબ્રા કાંડ: એલ્વિશ યાદવ સહિત આઠ લોકોના નામ સાથે પોલીસે ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હી: કોબ્રા સ્કેન્ડલમાં (Cobra Scandal) ફસાયા બાદ જેલમાં (Jail) જઇ આવ્યા પછી પણ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. હવે નોઈડા પોલીસે સાપના ઝેરની (Snake Poison) દાણચોરી અને રેવ પાર્ટી કેસમાં 1200 પાનાની ચાર્જશીટ (Charge Sheet) દાખલ કરી છે. આ ચાર્જશીટ યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav) સહિત આઠ લોકો સામે દાખલ કરવામાં આવી છે.

સાપ અને સાપના ઝેરની દાણચોરીથી લઈને રેવ પાર્ટીઓનું આયોજન કરવા સુધીના તમામ આરોપોના પુરાવા 1200 પાનાની ચાર્જશીટમાં આપવામાં આવ્યા છે. તેમજ એલ્વિશ યાદવ અને અન્ય વિરુદ્ધ 24 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં નોઈડા પોલીસે કહ્યું છે કે એલ્વિશનો જેલમાં મોકલવામાં આવેલા તમામ સપેરાઓ સાથે સંપર્ક હતો. તેમજ આરોપી સાપની ખરીદી અને વેચાણના કાળા ધંધામાં સંડોવાયેલો હતો.

એલ્વિશ પર મોટા આરોપો
એલ્વિશ યાદવની નોઈડા પોલીસે 17 માર્ચે કોબ્રા કાંડ કેસમાં ધરપકડ કરી હતી. તેના પર રેવ પાર્ટીઓમાં સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો. આટલું જ નહીં એલ્વિશ પર ડ્રગ્સને ફાઇનાન્સ કરવાનો પણ આરોપ હતો. નોઈડા પોલીસે એલ્વિશની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આદેશ મુજબ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ સાથે પૂછપરછ દરમિયાન એલ્વિશે કબૂલ્યું હતું કે તે સાપનું ઝેર સપ્લાય કરતો હતો.

5 દિવસ જેલમાં વિતાવ્યા બાદ એલ્વિશ યાદવને 22 માર્ચે જામીન મળી ગયા હતા. એનડીપીએસની નીચલી કોર્ટમાં યુટ્યુબરના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે એલ્વિશને 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા.

જોકે તેણે વધુ એક રાત જેલમાં વિતાવવી પડી હતી. લકસર જેલમાં 6 દિવસ વિતાવ્યા બાદ નોઈડા પોલીસે એલ્વિશ યાદવને ગુરુગ્રામ પોલીસને હવાલે કર્યો હતો. અહીં યુટ્યુબર સાગર ઠાકુર સાથેની લડાઈના મામલે તેમનું નિવેદન લેવામાં આવ્યું અને પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો
યુટ્યુબર એલ્વિશ યાદવે બિગ બોસ OTT 2 માં ભાગ લીધો હતો. આ શો જીત્યા બાદ તે ચર્ચામાં હતો. તેની લોકપ્રિયતા પહેલા કરતા વધુ થઈ ગઈ હતી. ત્યારે અચાનક એલ્વિશ વિશે ચોંકાવનારા સમાચાર સાંભળવા મળ્યા હતા. 2 નવેમ્બર, 2023 ના રોજ નોઈડા પોલીસે સેક્ટર 51 ના સેવરોન બેન્ક્વેટ હોલમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી.

તેમજ આ રેઇડ દરમિયાન અહીંથી 9 સાપ મળી આવ્યા હતા, જેમાં 5 કોબ્રા, 1 અજગર, 2 બે મોઢાવાળા સાપ અને એક લાલ સાપનો સમાવેશ થાય છે. બધા સાપમાંથી ઝેરની ગ્રંથીઓ ગાયબ થઇ હતી. એટલે કે સાપની જે ગ્રંથીમાં ઝેર હોય છે તે ગ્રંથી જ ગાયબ હતી. તેમજ આરોપીઓ પાસેથી 20 મી.લી. સાપનું ઝેર મળી આવ્યું હતું.

આ સમગ્ર મામલાનું સ્ટિંગ ઓપરેશન એક NGO દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ એનજીઓ પીએફએ (મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલ્સ)ના અધિકારી ગૌરવ ગુપ્તાએ એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમનો આરોપ હતો કે એલ્વિશ દિલ્હી એનસીઆરના એક ફાર્મ હાઉસમાં જીવંત સાપ સાથે ગેરકાયદેસર રેવ પાર્ટીઓનું આયોજન કરે છે.

આ પાર્ટીઓમાં સાપ અને તેના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓ પણ આવે છે. તેમજ સાપના ઝેર સાથે અને અન્ય દવાઓનું સેવન પણ કરવામાં આવે છે. બસ અહીંથી એલ્વિશના નામની સંડોવણી સાથે તેની મુશ્કેલીઓ પણ વધતી ગઇ.

Most Popular

To Top