National

NIA પર હુમલા મામલે બંગાળ પોલીસે એજન્સીના અધિકારીઓ સામે જ કેસ કરી દીધો

પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મિદનાપુરમાં એનઆઈએ (NIA) ટીમ પર થયેલા હુમલાને લઈને રાજ્યમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું વાતાવરણ શરૂ થઈ ગયું છે. દરમિયાન ધરપકડ કરાયેલા TMC નેતા મોનોબ્રતા જાનાની પત્નીની ફરિયાદ પર NIA ટીમ અને CRPF અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ટીએમસી નેતાની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે NIA અધિકારીઓએ તેમના ઘરમાં ઘૂસીને મારપીટ કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓએ તેમના સન્માનનું અપમાન કર્યું છે. ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 325, 34, 354, 354 (બી), 427, 448, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

NIAની ટીમ વર્ષ 2022માં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે ગઈ હતી. આ સમય દરમિયાન NIAની ટીમ બે આરોપીઓની ધરપકડ કરીને તેમને કોલકાતા લાવી રહી હતી. તે દરમિયાન NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ NIA ટીમના કાફલાને ઘેરી લીધો હતો અને પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. NIA ટીમ પર હુમલા અંગે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે ભાજપ ટીએમસી સરકાર પર પ્રહારો કરી રહી છે. ભાજપનો આરોપ છે કે મમતા બેનર્જીના શાસનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને આ બધું પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ કહ્યું કે એનઆઈએએ શા માટે અડધી રાત્રે દરોડા પાડ્યા? શું તેઓએ પોલીસ પાસેથી પરવાનગી લીધી? જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તેમના સ્થાને આવે ત્યારે સ્થાનિક લોકોએ જે કરવું જોઈતું હતું તે કર્યું. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે તેમણે કહ્યું કે તેઓ (NIA) ચૂંટણી પહેલા લોકોની ધરપકડ કેમ કરી રહી છે? આ ઘટના પર બીજેપી નેતા રાહુલ સિન્હાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ હુમલાખોરોના સમર્થનમાં ઉભા છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સીએમ હુમલાખોરોનું સમર્થન કરે છે ત્યાં હુમલા સ્વાભાવિક છે.

Most Popular

To Top