Business

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો મિશ્ર પ્રતિસાદ: શટલના મુસાફરોને ઉતાર્યાનો આક્ષેપ, ઓનલાઈન એપ્સ સામે ચાલકોનો વિરોધ

અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી રિક્ષા અને ટેક્સીચાલકોની હડતાળ શરૂ થઈ છે, પરંતુ શહેરમાં હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક રૂટ પર શટલ રિક્ષાઓ દોડતી જોવા મળી રહી છે, જ્યારે ઓનલાઈન એપ્લિકેશન મારફતે બુકિંગ લઈને રિક્ષા અને ટેક્સી ચલાવતા અનેક ડ્રાઇવરો હડતાળમાં જોડાયા છે. હડતાળ દરમિયાન શટલ રિક્ષામાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોને બળજબરીથી નીચે ઉતારવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત રેપિડો સહિતની ઓનલાઈન બાઈક રાઈડ સેવાઓના ચાલકોને રોકીને રાઈડ કેન્સલ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો છે.

રિક્ષા અને ટેક્સીચાલકોની મુખ્ય માગણી પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછું 20 રૂપિયાનું ભાડું નક્કી કરવાની છે. ચાલકોનું કહેવું છે કે ઓનલાઈન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનોના કારણે તેમની આવકમાં મોટો ઘટાડો થયો છે. કેટલાક ડ્રાઇવરોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની આવકમાં 50થી 70 ટકા સુધીની અસર થઈ છે. સાથે જ સીએનજીના ભાવ, વાહનના જાળવણી ખર્ચ અને અન્ય ખર્ચમાં વધારો થતાં હાલના ભાડામાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. રિક્ષાચાલકોનો સૌથી મોટો વિરોધ ઓનલાઈન બાઈક રાઈડ સેવાઓ સામે છે. ચાલકોના જણાવ્યા પ્રમાણે ઘણી જગ્યાએ ઓટો રિક્ષાનું ભાડું 50 રૂપિયા હોય છે, જ્યારે ઓનલાઈન બાઈક રાઈડમાં મુસાફરને 20 રૂપિયા જેટલા ઓછા ભાડામાં લઈ જવામાં આવે છે. તેમના મતે આવી સેવાઓને કારણે પરંપરાગત રિક્ષા વ્યવસાયને સીધી અસર થઈ રહી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે જો ઓનલાઈન સેવાઓને મંજૂરી આપવી હોય તો તમામ વાહનો માટે નિયમો અને ભાડાની વ્યવસ્થા સ્પષ્ટ હોવી જોઈએ.

રિક્ષાચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલીક ઓનલાઈન બાઈક રાઈડ સેવાઓમાં ખાનગી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આવા વાહનોમાં સફેદ નંબર પ્લેટ હોય છે અને તેઓ ટેક્સી તરીકે વાહન ચલાવવા માટે જરૂરી પ્રક્રિયા કે પાસિંગ કરાવતા નથી. આ બાબતે સરકાર અને આરટીઓ દ્વારા કાર્યવાહી થવી જોઈએ તેવી તેમની માગ છે. એક રિક્ષાચાલકે જણાવ્યું હતું કે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રિક્ષા ચલાવનારા ડ્રાઇવરોને પ્રતિ કિલોમીટર આશરે 11થી 13 રૂપિયા જેટલું વળતર મળે છે. તેમના જણાવ્યા પ્રમાણે જો પ્રતિ કિલોમીટર 20 રૂપિયા યોગ્ય ભાડું નક્કી કરવામાં આવે તો ઓનલાઈન બુકિંગ લઈને રિક્ષા ચલાવવામાં તેમને કોઈ વાંધો નથી. પરંતુ હાલના ઓછા ભાડા અને વધતા ખર્ચને કારણે વ્યવસાયમાંથી પૂરતી આવક રહેતી નથી.

ટેક્સીચાલકોએ પણ ઓનલાઈન કંપનીઓના ભાડા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. એક ટેક્સીચાલકના જણાવ્યા પ્રમાણે 16થી 18 કિલોમીટરની એક ટ્રિપ માટે તેમને માત્ર 241 રૂપિયા જેટલું ભાડું મળતું હતું. તેમાં પણ કંપનીને કમિશન ચૂકવવું પડતું હોવાથી ડ્રાઇવર પાસે બચતી રકમ ઘણી ઓછી રહે છે. તેમનું કહેવું છે કે દિવસભર મહેનત કર્યા બાદ પણ જો કમાણીનો મોટો હિસ્સો કમિશન અને ઈંધણ પાછળ જતો રહે તો પરિવાર ચલાવવો મુશ્કેલ બની જાય છે. હડતાળના દિવસે ઓનલાઈન કંપનીઓના ભાડામાં મોટો તફાવત જોવા મળ્યો હોવાનો દાવો પણ ટેક્સીચાલકોએ કર્યો છે. એક ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસોમાં જે મુસાફરી માટે આશરે 350 રૂપિયા જેટલું ભાડું મળતું હતું, તે જ રૂટ માટે હડતાળના દિવસે લગભગ 952 રૂપિયા સુધીનું ભાડું એપમાં બતાવવામાં આવ્યું હતું. ડ્રાઇવરનો દાવો છે કે હડતાળ દરમિયાન કેટલીક ટ્રિપમાં ભાડું ત્રણથી ચાર ગણું વધી ગયું હતું. તેમનું કહેવું છે કે કંપનીઓએ હડતાળના દિવસોમાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ડ્રાઇવર અને મુસાફર બંને માટે યોગ્ય અને પારદર્શક ભાડું નક્કી કરવું જોઈએ.

રિક્ષા-ટેક્સી યુનિયનોના જણાવ્યા પ્રમાણે હાલનું આંદોલન અમદાવાદ, ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં કેન્દ્રિત છે. યુનિયનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન આશરે બે લાખ રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનની સેવા ચાલુ રાખવામાં આવશે તેમ યુનિયન તરફથી જણાવવામાં આવ્યું છે. હડતાળ પાછળ માત્ર ઓનલાઈન એપ્સનો વિરોધ જ નહીં પરંતુ મોંઘવારી અને ઓછા ભાડાનો મુદ્દો પણ મહત્વનો છે. રિક્ષા અને ટેક્સીચાલકોનું કહેવું છે કે સીએનજી સહિતના ઈંધણના ખર્ચમાં વધારો થયો છે. વાહનના મેન્ટેનન્સ, વીમા, પરમિટ અને અન્ય ખર્ચ પણ ડ્રાઇવરોને જ ભોગવવા પડે છે. બીજી તરફ ઓનલાઈન કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે મુસાફરોને આકર્ષવા માટે ઓછા ભાડાની ઓફર કરવામાં આવે છે, જેની સીધી અસર ડ્રાઇવરોની કમાણી પર પડે છે.

ચાલકોની માગ છે કે સરકાર ઓનલાઈન કેબ અને બાઈક રાઈડ સેવાઓ માટે સ્પષ્ટ નિયમો બનાવે અને રિક્ષા તથા ટેક્સીચાલકોને યોગ્ય વળતર મળે તેવી ભાડાની વ્યવસ્થા નક્કી કરે. તેઓ પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછું 20 રૂપિયાનું ભાડું નક્કી કરવાની માગ કરી રહ્યા છે. સાથે જ ખાનગી વાહનો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન બાઈક રાઈડ સેવાઓ અંગે આરટીઓ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. હડતાળના કારણે અમદાવાદમાં સામાન્ય મુસાફરોની મુશ્કેલી વધવાની શક્યતા છે. રોજ ઓફિસે જતા નોકરિયાતો, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જતા વિદ્યાર્થીઓ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ સુધી પહોંચતા મુસાફરોને વૈકલ્પિક પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડી શકે છે. ખાસ કરીને જે લોકો રોજિંદા પ્રવાસ માટે રિક્ષા અને ટેક્સી પર નિર્ભર છે તેમના માટે આ ચાર દિવસ મુશ્કેલીભર્યા બની શકે છે.

બીજી તરફ, જો યુનિયનોની માગણીઓ અંગે સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી કોઈ નક્કર નિર્ણય નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે. યુનિયનોનું કહેવું છે કે ચાર દિવસની હડતાળ બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત મોટી રેલી કાઢીને આરટીઓ અને ગાંધીનગર સ્થિત સંબંધિત સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. હાલ અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી હડતાળનો સંપૂર્ણ પ્રભાવ દરેક વિસ્તારમાં સમાન જોવા મળતો નથી. કેટલાક રૂટ પર શટલ રિક્ષાઓ ચાલુ છે, જ્યારે ઓનલાઈન એપ આધારિત રિક્ષા અને ટેક્સી સેવાઓના અનેક ચાલકો હડતાળમાં જોડાયા છે. હવે સરકાર અને સંબંધિત વિભાગો ચાલકોની ભાડા અને ઓનલાઈન પરિવહન સેવાઓને લગતી માગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર નજર છે.

Most Popular

To Top