Gujarat

ભરૂચમાં અમરાવતી નદીમાં ઘોડાપુર વચ્ચે ગાયની હિંમત જોઈ લોકો પણ ચોંક્યા

ભરૂચ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. સાતપુડા પર્વતમાળામાં પડેલા ભારે વરસાદની અસર અમરાવતી નદીમાં પણ જોવા મળી, જ્યાં અચાનક પાણીનું સ્તર વધી જતાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીના બંને કિનારાઓ પર રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. નેત્રંગના ગાંધી બજારથી સામે આવેલા ભાઠા ફળિયા તરફ જવા માટે સ્થાનિક લોકો સામાન્ય દિવસોમાં સુપડીના સહારે નદી પાર કરતા હોય છે. પરંતુ આજે નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ પણ વ્યક્તિ નદી પાર કરવાની હિંમત કરી શકી નહોતી.

આ દરમિયાન એક ગાય નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી ગાયને સંતુલન જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. અનેક વખત તેના પગ લપસ્યા છતાં તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. કુદરતી પ્રવાહ સામે ઝઝૂમતી ગાય આખરે સુરક્ષિત રીતે સામેના કિનારે પહોંચી ગઈ. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોની નજર સામે બની હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ગાયની આ સાહસિક જહેમત જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પાણીનું વહેણ થોડું ઘટ્યા બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. હાલ જિલ્લામાં વરસાદ યથાવત હોવાથી વહીવટી તંત્રએ નદી-નાળા નજીક ન જવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top