Gujarat

સુરતમાં ફૈઝલ ફત્તા હત્યા કેસમાં CCTVથી ખુલાસા, રેકીથી સોપારી કિલિંગ સુધી પોલીસની તપાસ તેજ

સુરતમાં જમીન દલાલ ફૈઝલ ઝકારીયા હસન ફત્તાની હત્યા કેસમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર થયેલી હત્યા પૂર્વઆયોજિત હોવાની પોલીસને આશંકા છે. ઘટનાના થોડા સમય પહેલાં કેટલાક શખ્સો ફૈઝલની હિલચાલ પર નજર રાખતા હોવાના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હોવાનું જાણવા મળે છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, ફૈઝલની હત્યા પહેલાં વસીમ ઉર્ફે વસિયા, અભિષેક અને કાલુ સહિતના કેટલાક શખ્સો તેની પાછળ હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. હત્યા સ્થળની આસપાસ તેમજ ફૈઝલ જે રસ્તેથી પસાર થયો હતો તે વિસ્તારોના CCTV ફૂટેજ પોલીસ દ્વારા ખંગાળવામાં આવ્યા છે. ફૂટેજના આધારે કેટલાક શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સોમવારે રાત્રે પોણા નવથી નવ વાગ્યાની આસપાસ 48 વર્ષીય ફૈઝલ ફત્તા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ફૈઝલનું મોત થયું હતું. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પોલીસ તપાસમાં હત્યારાઓ બે મોપેડ પર સવાર થઈને આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. કુલ ચાર શખ્સો હુમલામાં સામેલ હોવાની ચર્ચા છે. તેમાં વસીમ, કાલુ અને અભિષેકના નામ સામે આવ્યા છે, જ્યારે ચોથા શખ્સની ઓળખ મેળવવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ પૈકી એક આરોપી ખાસ હત્યા માટે મુંબઈથી આવ્યો હોવાની પણ ચર્ચા છે, જોકે આ બાબતે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.હત્યાકાંડ બાદ પોલીસે માન દરવાજા સહિતના વિસ્તારોમાં આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કેટલાક શખ્સો લાલગેટ વિસ્તારમાં પોતાના પરિચિતની ઓફિસમાં બેઠા હોવાની માહિતી મળી હતી.પોલીસ પહોંચે તે પહેલાં જ તેઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું જાણવા મળે છે.

હવે તપાસનો વ્યાપ સુરત બહાર પણ વધારવામાં આવ્યો છે. આરોપીઓ મુંબઈ અથવા રાજસ્થાન તરફ ભાગી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસની ટીમો અન્ય રાજ્યોમાં પણ તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ હત્યા પાછળ કોઈ જૂનો વિવાદ છે કે પછી સંપૂર્ણ આયોજન સાથે હત્યા કરવામાં આવી છે, તે શોધવું પોલીસ માટે મહત્વનું બની ગયું છે. ખાસ કરીને હત્યા માટે સોપારી આપવામાં આવી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પોલીસને શંકા છે કે સામાન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક શખ્સો પાછળ કોઈ મોટો માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે. CCTV, મોબાઇલ લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે પોલીસ હવે કાવતરાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.ફૈઝલ ફત્તા હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ બાદ હત્યાનું સાચું કારણ અને સમગ્ર કાવતરું વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સતત તપાસ કરી રહી છે.

Most Popular

To Top