SURAT

સુરતમાં અતિભારે વરસાદથી ઈમરજન્સી જેવી સ્થિતિ: ભેદવાડ ખાડી ઓવરફ્લો, શહેર જળબંબાકાર, BRTS સેવા પ્રભાવિત

હવામાન વિભાગ દ્વારા સુરત માટે અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ધોધમાર વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરના ઘણા રસ્તાઓ નદી જેવા બની ગયા છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોના ઘરો અને વેપાર-ધંધાને મોટી અસર પહોંચી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં ભર્યા છે. સુરત જિલ્લાના તમામ કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કાપડ માર્કેટ પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત મોકલવામાં આવી છે.

શહેરમાં વરસાદ સતત ચાલુ રહેતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભેદવાડ, ડભોલી, પાંડેસરા, લિંબાયત, અઠવાલાઇન્સ, VIP રોડ, સૂર્યપુર, અશ્વનિકુમાર સહિતના વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સ્થળોએ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનોમાં પણ પ્રવેશી જતાં લોકો પોતાના સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. તંત્રને સતત મેદાનમાં રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. મંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર ન નીકળે અને જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ રહે.

ભારે વરસાદને કારણે શહેરના અનેક ગરનાળાં અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચી છે. સુરત ટ્રાફિક પોલીસે વિવિધ વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા છે. મંજૂર ગરનાળું, રઘુકુળ ગરનાળું, આયુર્વેદિક ગરનાળું અને સહારા દરવાજા સ્મીમેર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને અન્ય માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કોઝવે રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ સતત રસ્તાઓ પર તૈનાત રહી લોકોને માર્ગદર્શન આપી રહી છે.

ડભોલી વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓ માટે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહન ચલાવવું જોખમી બન્યું છે. ઘણા વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.

વહીવટી તંત્રની સૂચનાને અનુસરીને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) દ્વારા સુરતના તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ, કર્મચારીઓ અને માલસામાનની સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ કારખાનાઓ પણ બે દિવસ માટે બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોને ઘરે જ રહેવાની અપીલ કરવામાં આવી છે અને ઉદ્યોગકારોને બે દિવસનો પગાર ચૂકવવાની પણ વિનંતી કરવામાં આવી છે.

લિંબાયતના નીલગીરી સર્કલ પાસે ભારે વરસાદ વચ્ચે રસ્તા પર મોટો ભુવો પડતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકોએ પોતાની રીતે બેરીકેડ મૂકી વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો. સ્થાનિકોએ મહાનગરપાલિકાને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. શહેરના પોશ વિસ્તારમાં ગણાતા VIP રોડ પર પણ વરસાદે ભારે અસર કરી છે. ખાટુ શ્યામ મંદિર નજીક પાણી ભરાઈ જતા બમરોલીથી VIP રોડ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બેરિકેડ લગાવી લોકોને જળબંબાકાર વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. પાંડેસરાના પંચમુખી મંદિર નજીક પણ રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેના કારણે લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહ્યા હતા.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જમીરે પણ નાગરિકોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમણે જણાવ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાગરિકોએ ઝાડ, વીજળીના થાંભલા, હોર્ડિંગ્સ અને નબળા બાંધકામોથી દૂર રહેવું જોઈએ. પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝનની માહિતી સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં પોલીસ હેલ્પલાઇન 112 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મનપાના કર્મચારીઓ સ્પીકર અને માઇક દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સતત જાહેરાત કરી રહ્યા છે. ફાયર વિભાગની ટીમો, રેસ્ક્યુ બોટ અને જરૂરી સાધનો સાથે વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય. અશ્વનિકુમાર સ્મશાન ભૂમિ, સાયબર ક્રાઇમ ઓફિસ, સૂર્યપુર ગરનાળું અને પોદાર આર્કેડ સુધીના વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાઈ જતાં રસ્તાઓ નદી જેવા દેખાવા લાગ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.

હવામાન વિભાગે હજુ પણ આગામી કલાકોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને બચાવ દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને અનિવાર્ય કામ સિવાય બહાર ન નીકળવા, સુરક્ષિત સ્થળે રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top