SURAT

સુરતમાં રાહત-બચાવ માટે આર્મી તૈનાત: 70 સભ્યોની એન્જિનિયર રેજિમેન્ટ ઉમરા પહોંચી, બે હાઈટેક બોટ સાથે વડોદરાથી ટીમ આવી

સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ વડોદરાથી ભારતીય સેનાની વિશેષ ટીમને સુરત બોલાવવામાં આવી છે. ભારતીય સેનાની નં. 203 એન્જિનિયર રેજિમેન્ટની ટીમ સુરતના ઉમરા વિસ્તારમાં પહોંચી ગઈ છે અને જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વિશેષ ટીમમાં કુલ 70 સભ્યોનો સમાવેશ થાય છે. તેમાં એક અધિકારી સહિત 12 સભ્યોની એન્જિનિયર ટીમ ઉપરાંત મેડિકલ ટીમ, વાહન વ્યવસ્થા માટે અલગ ટીમ અને રિકવરી ટીમ પણ સામેલ છે. ટીમ પાસે આધુનિક સુવિધાઓથી સજ્જ બે રેસ્ક્યુ બોટ છે, જે એકસાથે 15થી 20 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ક્ષમતા ધરાવે છે.

જો નીચાણવાળા અથવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ફસાઈ જાય તો તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા, તાત્કાલિક મદદ પહોંચાડવા અને જરૂરિયાત મુજબ ઝડપી બચાવ કામગીરી હાથ ધરવા માટે આર્મીની ટીમની સેવાઓ લેવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. NDRF, SDRF અને હવે ભારતીય સેનાની મદદથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવા તેમજ અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top