National

E20 પેટ્રોલ વિવાદ વધુ ગરમાયો, તહેસીન પૂનાવાલાનો દાવો- કોઈ ઓર્ડર વગર મને હાઉસ અરેસ્ટ કરાયો

E20 પેટ્રોલ નીતિને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સામાજિક કાર્યકર્તા તહેસીન પૂનાવાલાએ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પૂનાવાલાનો દાવો છે કે E20 પેટ્રોલ સામે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ પહેલાં જ તેમને કોઈ લેખિત આદેશ વગર તેમના જ ઘરમાં નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. તહેસીન પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત જોવા મળે છે. વીડિયોમાં તેઓ પોલીસને સવાલ કરતા કહે છે કે તેમને કયા કાયદા હેઠળ રોકવામાં આવી રહ્યા છે અને જો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તેનો લેખિત આદેશ કેમ બતાવવામાં આવતો નથી.

પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે સરકાર તેમના વિરોધ પ્રદર્શનથી ગભરાઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેમના ઘરની બહાર મહિલા પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમના જણાવ્યા મુજબ, તેમને કોઈ સત્તાવાર નોટિસ કે ઓર્ડર આપવામાં આવ્યો નથી. તેમણે વધુમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી પર પણ નિશાન સાધ્યું. પૂનાવાલાનો દાવો છે કે E20 પેટ્રોલ નીતિના વિરોધથી સરકાર અસ્વસ્થ થઈ ગઈ છે અને વિરોધને રોકવા માટે આવા પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજા એક વીડિયોમાં પૂનાવાલા પોલીસ અધિકારીને પૂછે છે કે જો તેમને રોકવામાં આવી રહ્યા છે તો તેનો કાયદાકીય આધાર શું છે. તેઓ વારંવાર કહે છે કે, “કોઈ કાગળ નથી, કોઈ લેખિત આદેશ નથી, છતાં મને ઘરમાંથી બહાર નીકળવા દેવામાં આવતું નથી. આ રીતે મને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે.”

આરોપોના જવાબમાં પોલીસ અધિકારીએ કહ્યું કે પૂનાવાલાના પ્રસ્તાવિત વિરોધ કાર્યક્રમને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. પોલીસનું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે તેમને બહાર જવાથી રોકવામાં આવ્યા છે. અધિકારીએ તેમને સહયોગ આપવા પણ અપીલ કરી હતી. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તહેસીન પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે તેઓ ગાંધી સ્મૃતિ સુધી પગપાળા માર્ચ કરશે અને ત્યાં E20 પેટ્રોલ નીતિના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે ભૂખ હડતાળ પર બેસશે. તેમણે જણાવ્યું હતું કે આ વિરોધનો હેતુ સરકાર સુધી સામાન્ય વાહનચાલકોની ચિંતા પહોંચાડવાનો છે. આ પહેલાં પણ તેઓ સંસદ નજીક ‘ગાડી માર્ચ’ યોજવા માંગતા હતા, પરંતુ વહીવટી તંત્ર તરફથી મંજૂરી મળી નહોતી. ત્યારબાદ તેમણે પોતાના વિરોધનો કાર્યક્રમ બદલીને ગાંધી સ્મૃતિ સુધી માર્ચ અને અનશનની જાહેરાત કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી E20 પેટ્રોલને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. E20 એટલે 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ. સરકારનું માનવું છે કે આ ઈંધણથી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટશે, ખેડૂતોને લાભ મળશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. પરંતુ બીજી તરફ અનેક વાહન માલિકો, ટ્રાન્સપોર્ટ સંગઠનો અને કેટલાક ગ્રાહક સંગઠનો આ નીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તેમનો દાવો છે કે વર્ષ 2023 પહેલાં બનેલા ઘણા વાહનોમાં E20 પેટ્રોલના ઉપયોગથી માઈલેજ ઘટે છે અને વાહનના મેન્ટેનન્સનો ખર્ચ વધી શકે છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અગાઉ સ્વીકારી ચૂક્યા છે કે E20 પેટ્રોલના ઉપયોગથી કેટલાક વાહનોમાં ઈંધણ કાર્યક્ષમતામાં અંદાજે 2થી 6 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધીના પરીક્ષણોમાં એન્જિનને કોઈ ગંભીર નુકસાન થવાના પુરાવા મળ્યા નથી. સરકારનું કહેવું છે કે E20 પેટ્રોલથી કાર્બન ઉત્સર્જનમાં આશરે 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે અને વાહનોનું એક્સેલરેશન પણ વધુ સારું રહે છે. સરકાર આ નીતિને પર્યાવરણ અને ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવે છે. બીજી તરફ તહેસીન પૂનાવાલા અને તેમની સંસ્થા ‘ટીમ ભારત’ની મુખ્ય માંગ છે કે દેશના વાહનચાલકોને માત્ર E20 જ નહીં પરંતુ 100 ટકા પેટ્રોલ, E5 અને E10 જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમનું કહેવું છે કે દરેક વાહન એકસરખી ટેક્નોલોજી પર આધારિત નથી, તેથી ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ ઈંધણ પસંદ કરવાની છૂટ હોવી જોઈએ.

આ પહેલાં પણ 5 જુલાઈએ પૂનાવાલાએ E20 પેટ્રોલ નીતિ સામે પ્રદર્શન કર્યું હતું. તેમના પ્રસ્તાવિત ‘ગાડી માર્ચ’ને દિલ્હી ટેક્સી એન્ડ ટ્રાન્સપોર્ટ ઓનર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોનું સમર્થન મળ્યું હતું. જોકે અગાઉ થયેલા કેટલાક વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે સંસદ માર્ગ નજીક વિરોધની મંજૂરી આપી નહોતી. હાલ આ સમગ્ર મામલે દિલ્હી પોલીસ અને તહેસીન પૂનાવાલાના દાવા-પ્રતિદાવા વચ્ચે E20 પેટ્રોલ નીતિ અંગેનો વિવાદ વધુ ગરમાયો છે. હવે આગળ સરકાર, પોલીસ અને વિરોધ પક્ષો આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top