નેપાળી મૂળના વિશ્વ વિખ્યાત પર્વતારોહક નિર્મલ ‘નિમ્સદાઈ’ પુર્જાનું પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સ્થિત વિશ્વના 12મા સૌથી ઊંચા પર્વત બ્રોડ પીક પર થયેલા વિશાળ હિમપ્રપાતમાં અવસાન થયું છે. ઇન્સ્ટાગ્રામ પર આ સમાચારની પુષ્ટિ કરતા તેમની સાહસિક કંપની એલીટ એક્સપેડે જણાવ્યું હતું કે આજે ખૂબ જ દુઃખ અને ભારે હૃદય સાથે અમે બ્રોડ પીક પર હિમપ્રપાત બાદ નિર્મલ ‘નિમ્સદાઈ’ પુર્જાના દુ:ખદ અવસાનની પુષ્ટિ કરીએ છીએ.
પ્રખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુર્જાનું પાકિસ્તાનમાં હિમપ્રપાતમાં ફસાઈ જવાથી અવસાન થયું. તેમની પોતાની પર્વતારોહણ કંપની એલીટ એક્સપેડે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. 30 જુલાઈના રોજ નિર્મલ પુર્જા કારાકોરમ ક્ષેત્રમાં બ્રોડ પીકના 8,051 મીટર ઊંચા શિખર પર ચઢી રહ્યા હતા. આ અકસ્માત આશરે 7,000 મીટરની ઊંચાઈએ થયો હતો. હિમપ્રપાત બાદ નિર્મલ પુરજા સહિત દસ પર્વતારોહકો ગુમ થઈ ગયા તેમાંથી છ નેપાળી પર્વતારોહકો હતા.
નિમ્સ અને તેમની ટીમ કેટલા સમયથી ગુમ હતા?
શુક્રવારે હિમપ્રપાત થયા પછી નિર્મલ પુરજા અને તેમની સાથે આવેલા પાંચ અન્ય પર્વતારોહકો ગુમ થઈ ગયા હતા. સતત શોધ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આખરે પુષ્ટિ મળી હતી કે તેમાંથી કોઈ બચ્યું નથી.
આ દુર્ઘટનામાં કોણે જીવ ગુમાવ્યો?
કંપનીએ જણાવ્યું હતું કે આજે અમે ફક્ત નિમ્સને જ નહીં પરંતુ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા દરેકને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમાં તેમના વિશ્વાસુ ક્લાઇમ્બિંગ પાર્ટનર અને માર્ગદર્શકો, પુર બહાદુર ગુરુંગ (યુક્તા) અને નીમા શેરપા પણ શામેલ છે. અમારી ઊંડી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનો સાથે છે. આ અકલ્પનીય નુકસાનના દુ:ખને કોઈ શબ્દો ઘટાડી શકતા નથી. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરાય.
બ્રોડ પીક ક્યાં સ્થિત છે?
બ્રોડ પીક વિશ્વનો 12મો સૌથી ઊંચો પર્વત છે જે કારાકોરમ શ્રેણીમાં સ્થિત છે. તે ગિલગિટ-બાલ્ટિસ્તાન (પાકિસ્તાન) અને ચીનના શિનજિયાંગ પ્રદેશની સરહદ પર આવેલું છે. આ શિખર K2 થી થોડાક કિલોમીટર દૂર આવેલું છે જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આવેલું છે. બ્રોડ પીકના સ્ટાન્ડર્ડ વેસ્ટ રિજ રૂટ પર બરફનું તોફાન આવ્યું. એવો અંદાજ છે કે આ ઘટના આશરે 21,600 થી 21,850 ફૂટની ઊંચાઈએ બની હતી.
6 મહિનામાં 14 સૌથી ઊંચા શિખરો સર કર્યા
નિર્મલ પુરજા જેને નેપાળ અને વિશ્વભરમાં પર્વતારોહકોમાં ‘નિમ્સ દાઈ’ તરીકે ઓળખવામાં આવે છે તેઓએ 2019 માં ‘પ્રોજેક્ટ પોસિબલ’ શરૂ કર્યું. તેમનો ધ્યેય ફક્ત સાત મહિનામાં 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિશ્વના તમામ 14 શિખરો સર કરવાનો હતો. તે સમયે આ સિદ્ધિ લગભગ અશક્ય માનવામાં આવતી હતી. નિર્મલ પુરજાએ માત્ર છ મહિના અને છ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી જેનાથી દક્ષિણ કોરિયાના પર્વતારોહક કિમ ચાંગ-હોનો લગભગ આઠ વર્ષનો વિશ્વ રેકોર્ડ તૂટ્યો હતો.