સુરત શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. હવામાન વિભાગે જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ અને ખાડીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધતા પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વધી છે. જિલ્લા વહીવટી તંત્ર, SDRF અને પોલીસની ટીમો સતત મેદાનમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં સીઝનની સૌથી મોટી પાણીની આવક નોંધાઈ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં 4.29 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ હતી. ત્યારબાદ બપોરે આ આવક વધીને લગભગ 4.89 લાખ ક્યુસેક સુધી પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે ડેમમાંથી હાલમાં માત્ર 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તંત્ર સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે હાલ પાણીની સપાટી 321.51 ફૂટ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં અંદાજે ત્રણ ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં જીવંત જળસંગ્રહ પણ સતત વધી રહ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ જો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં પાણી છોડવાનો નિર્ણય લેવાઈ શકે છે.
સવારથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી સુરત શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ત્રણ ખાડીઓ ચેતવણીજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. મીઠી ખાડીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને તે ભયજનક સપાટીને અડી રહ્યું છે. ભેદવાડ ખાડી અને સીમાડા ખાડીમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા અને જિલ્લા તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક પગલાં લઈ શકાય. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સરેરાશ 222 મીમી એટલે કે અંદાજે 8 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં નોંધાયો છે, જ્યાં આશરે 565 મીમી એટલે કે 22.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ 5થી 12 ઈંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ, નાળા અને ખાડીઓમાં પાણીની આવક વધી ગઈ છે. સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 5થી 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે કીમ નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો છે. રાત્રિ દરમિયાન નદી ઓવરફ્લો થતાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે વહીવટી તંત્રએ અગાઉથી જ ચેતવણી જાહેર કરીને સ્થળાંતરની કામગીરી શરૂ કરી દીધી હોવાથી મોટી જાનહાનિ ટળી છે. હાલમાં પણ કીમ નદીનું જળસ્તર વધી શકે તેવી શક્યતા હોવાથી નદીકાંઠાના લોકોને સતત સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. અંબિકા નદી અને કીમ નદીના કિનારાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધતા અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા પરિવારોને શાળા, સમુદાય ભવન અને અન્ય સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખોરાક, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે SDRFની ટીમો સતત મેદાનમાં કામ કરી રહી છે. માંડવી ખાતે પહેલેથી જ એક ટીમ તૈનાત હતી, જ્યારે વધતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલપાડમાં પણ વધારાની SDRF ટીમ મોકલવામાં આવી છે. પોલીસ, SDM, TDO અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. સુરત શહેરના વિવિધ ઝોનમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ ઝોનમાં આશરે દોઢ ઈંચ, ઈસ્ટ ઝોન-એમાં બે ઈંચ, ઈસ્ટ ઝોન-બીમાં દોઢ ઈંચ અને વેસ્ટ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નોર્થ, સાઉથ, સાઉથ-ઈસ્ટ અને સાઉથ-વેસ્ટ ઝોનમાં પણ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સવારે થોડો વિરામ મળ્યા બાદ ફરીથી વરસાદનું જોર વધતાં પાણી ભરાવાની સમસ્યા ફરી ગંભીર બની છે.
તંત્રએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે કીમ અને અંબિકા નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો જોખમ ન લે અને સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી જાય. ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા, વીજળીના થાંભલા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમ સુરક્ષિત સ્તરે હોવા છતાં તેમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. બીજી તરફ કીમ નદી, અંબિકા નદી અને શહેરની ખાડીઓમાં વધતું જળસ્તર ચિંતાનો વિષય બન્યું છે. આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા અને કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદના આધારે સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. તેથી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.