વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાનો અને તેમને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના દૂત તરીકે તૈયાર કરવાનો છે. આ સાથે દેશભરમાં નશા સામે 100 સપ્તાહનું વિશાળ જનભાગીદારી અભિયાન શરૂ થશે. આ અભિયાન દરમિયાન દર રવિવારે વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જેથી લોકોમાં નશાના દૂષણ અંગે જાગૃતિ વધે અને નશા મુક્ત સમાજના નિર્માણમાં લોકોની ભાગીદારી વધે.
આ અભિયાન અંતર્ગત રમતગમત સ્પર્ધાઓ, વોકાથોન, યોગ અને ધ્યાન સત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ રેલીઓ, नुक્કડ નાટક, ચર્ચા મંચ, ચિત્ર અને કલા સ્પર્ધાઓ તેમજ સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા સંગઠનો, સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગ સંસ્થાઓ અને આધ્યાત્મિક સંગઠનોને એક જ મંચ પર લાવીને નશા વિરુદ્ધ જનઆંદોલન ઊભું કરવામાં આવે.
આ કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી યુવાનો વર્ચ્યુઅલ રીતે જોડાશે. તેમાં માય ભારતના સ્વયંસેવકો, NSSના વિદ્યાર્થીઓ, યુવા ક્લબો, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ, ઉદ્યોગ સંગઠનોની યુવા પાંખો તેમજ 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ ભાગ લેશે. સરકારનું માનવું છે કે જો યુવાનો નશાથી દૂર રહેશે તો દેશનું ભવિષ્ય વધુ મજબૂત બનશે અને ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહેશે.