પલસાણા: પલસાણાના વણેસા ગામે વન્યજીવનની એક અત્યંત દુર્લભ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં શિકારની શોધમાં આવેલી અઢી વર્ષની એક દીપડી પર માત્ર અઢી ફૂટનો એક નોળિયો ભારે પડ્યો હતો. ગુજરાતમાં કદાચ પહેલીવાર નોંધાયેલી આ રોમાંચક ઘટના ત્યાં હાજર પર્યાવરણપ્રેમીના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પલસાણાના વણેસા ગામના રહીશ આયુષ હળપતિ સાંજના સમયે ભિમાડાથી અમલસાડી દૂધ આપવા જઈ રહ્યા હતા. દરમિયાન ભિમાડાથી ગોટિયા ફળિયા વચ્ચેની એક પડતર જગ્યામાં તેમને એક દીપડી બેઠેલી જોવા મળી હતી. આ અંગે તેમણે તાત્કાલિક ‘ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ’ના જતીન રાઠોડને જાણ કરી હતી. માહિતી મળતા જ જતીન રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસના ગ્રામજનો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા.
જાણકારોની તપાસમાં સામે આવ્યું હતું કે આ આશરે અઢી વર્ષની દીપડી છે અને તે કોઈ શિકારની તાકમાં બેઠી છે. થોડીવાર બાદ દીપડી ધીમા પગલે આગળ વધીને એક નોળિયા પાસે પહોંચી હતી અને તેના પર કૂદકો મારીને શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શિકાર બનવાને બદલે માત્ર અઢી ફૂટના નોળિયાએ હિંમતભેર વળતો હુમલો કરી દીધો હતો. બંને પ્રાણીઓ વચ્ચે થયેલી આ લડાઈમાં નોળિયાએ દીપડીનું મોં પકડી લીધું હતું અને તેને બે ગુલાટી ખવડાવી દીધી હતી. આટલેથી ન અટકતાં નોળિયો દીપડીથી ડરીને ભાગવાને બદલે તેના તરફ જ આક્રમક રીતે આગળ વધ્યો હતો.
નોળિયાના આ રૌદ્ર સ્વરૂપ અને વળતા પ્રહારથી ગભરાઈને દીપડી પોતાનો જીવ બચાવીને શિકાર કર્યા વિના જ ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. ચારથી પાંચ મિનિટ સુધી ચાલેલી આ અદભૂત લડાઈને જતીન રાઠોડે પોતાના કેમેરામાં શૂટ કરી લીધી હતી. આ ઘટનાનો વિડીયો જોઈને વન્યજીવ પ્રેમીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે લડાઈમાં કદ ભલે નાનું હોય, પરંતુ જો હિંમત અને બહાદુરી હોય તો મોટા અને ખુંખાર શિકારીઓએ પણ પાછા પગ કરવા પડે છે.