સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2027 માટે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓનું સમયપત્રક (ડેટ શીટ) જાહેર કર્યું છે. સમયપત્રક મુજબ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી, 2027થી શરૂ થશે. સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર વિગતો પ્રકાશિત કરવામાં આવી છે જેમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ધોરણ 10 અને ધોરણ 12 બંનેની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી, 2027થી શરૂ થશે.
CBSEએ ધોરણ 10 અને 12 માટે પરીક્ષાની તારીખો જાહેર કરી છે જે મુજબ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી, 2027થી શરૂ થશે. પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. CBSEના જણાવ્યા અનુસાર ધોરણ 10ની પરીક્ષામાં 26.50 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 12ની પરીક્ષામાં 19.80 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ સમયપત્રક પરીક્ષાઓ શરૂ થવાના 101 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું છે. 6 નવેમ્બરના CBSEના જાહેરનામા મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોમાં પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોમાં પરીક્ષા આપશે.
બોર્ડ પરીક્ષાનું સંપૂર્ણ સમયપત્રક પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગની પરીક્ષાઓ સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી યોજાશે. જોકે કેટલાક વ્યવસાયલક્ષી (વોકેશનલ) વિષયોની પરીક્ષાઓ સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાશે.
બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષાનું સમયપત્રક અનેક પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિબળોમાં વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય રીતે સાથે પસંદ કરવામાં આવતા વિષયોના પેપરો વચ્ચેનું અંતર, મુખ્ય પ્રવેશ પરીક્ષાઓનું સમયપત્રક અને દરેક પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહેનારા ઉમેદવારોની સંખ્યાનો સમાવેશ થાય છે. CBSEએ જણાવ્યું છે કે આ સમયપત્રક એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી શાળાથી દૂર રહેવું ન પડે.
પરીક્ષાની સમય-સારણી (ડેટ શીટ) તૈયાર કરતી વખતે બોર્ડે ૪૦,૦૦૦થી વધુ વિષય-સંયોજનોને ધ્યાનમાં લીધાં હતાં, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલા કોઈપણ બે વિષયોની પરીક્ષા એક જ દિવસે ન આવે. સૂચનામાં જણાવ્યા અનુસાર શાળાઓ દ્વારા ‘લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ’ (LOC) જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આ સમય-સારણીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. હવે બોર્ડ પાસે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાયેલા વિષય-સંયોજનો અંગેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ છે. વધુમાં બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષાઓનું સંચાલન સુચારુ રીતે થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહેનારા ઉમેદવારોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.