Vadodara

ચોખંડીમાં ઓમકારેશ્વર મંદિર પાસે જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, ફાયર બ્રિગેડ અને નિર્ભય શાખા દ્વારા સ્થળ સીલ

વડોદરામાં જર્જરિત મકાનોની ગંભીર સમસ્યા, તંત્રની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

સદનસીબે જાનહાનિ ટળી, સ્થાનિક કાઉન્સિલરની ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ત્વરિત બેરિકેડિંગ કરાયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.૩૧

વડોદરા :- શહેરમાં ચોમાસાની ઋતુ અને જર્જરિત મકાનોની સમસ્યા વચ્ચે આજે સવારે વડોદરાના ચોખંડી વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિર પાસે આવેલું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી વિગતો મુજબ, ચોખંડી વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિરની બરાબર નજીક આવેલું આ મકાન લાંબા સમયથી ખૂબ જ જર્જરિત અને ખંડેર હાલતમાં હતું. આજે સવારે અચાનક આ મકાનનો એક ભાગ ભારે ધડાકા સાથે તૂટી પડ્યો હતો. જો કે ઘટના બની તે સમયે આસપાસ કોઈ રાહદારી કે સ્થાનિક રહીશ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાની જાણ થતા જ વડોદરા મહાનગરપાલિકાની નિર્ભય શાખા અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોખમી બનેલા આ મકાનના કારણે કોઈ અન્ય વ્યક્તિ કે વાહનચાલક મુશ્કેલીમાં ન મુકાય, તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને આસપાસ સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વિસ્તારના કાઉન્સિલર પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલા તમામ અતિ-જર્જરિત મકાનોની ઓળખ કરી તેને ઉતારી લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉથી જ નોટિસો આપવામાં આવી છે, જેથી આગામી સમયમાં આવા જોખમી મકાનોને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય.આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને લોકો વડોદરા મહાનગરપાલિકા પાસે અન્ય જોખમી મકાનો સામે પણ વહેલી તકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top