Vadodara

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ

ભવન્સ હાઈસ્કૂલ મતદાન મથક ખાતે વડીલ મતદારોમાં અનેરો ઉત્સાહ: ચૂંટણી તંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા*
વડોદરા: વડોદરા શહેરમાં સમાવિષ્ટ ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે માંજલપુરના મતદારોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. સવારે ૭:૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન્સ હાઈસ્કૂલ ખાતે પણ વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર પહોંચી રહ્યા છે અને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે.

આ મતદાન મથક ખાતે ખાસ કરીને વયસ્ક અને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધ મતદારોએ સવારે જ મતદાન મથકે પહોંચીને, લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્ય યુવા મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મતદાન કર્યાનો ગર્વ અનુભવતા મતદારો માટે ખાસ ‘સેલ્ફી પોઈન્ટ’ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તેઓ ઉત્સાહભેર તસવીરો પડાવતા જોવા મળ્યા હતા. ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારોની સુવિધા માટે મતદાન મથકો પર વિશેષ અને આકર્ષક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

મતદારોના સ્વાગત માટે મતદાન મથકને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે, જે મતદારોને એક હકારાત્મક અને આવકારદાયક અનુભવ પૂરો પાડે છે.

ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે અને કોઈપણ અગવડતા વિના પાર પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સગવડો ઊભી કરવામાં આવી છે. વર્તમાન હવામાન અને સંભવિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદારોને કોઈ હાલાકી ન પડે તે માટે ખાસ રેઈન પ્રૂફ ટેન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, મતદાન મથક પરિસરમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, મેડિકલ કિટ, દિવ્યાંગ તેમજ વયસ્ક મતદારોની સરળતા માટે ‘રેમ્પ વોક’ ની સુવિધા અને તેમને મતદાન કક્ષ સુધી મદદરૂપ થવા માટે વિશેષ સહાયકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.

મતદારોની કોઈપણ પ્રકારની મૂંઝવણના સત્વરે નિરાકરણ માટે મતદાર સહાય કેન્દ્ર કાર્યરત કરાયું છે, તેમજ સુરક્ષાના કારણોસર મોબાઈલ ડિપોઝિટ સેન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર ચૂંટણી તંત્રના આ સુદ્રઢ અને ઝીણવટભર્યા આયોજનને પગલે મતદારો અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

Most Popular

To Top