જન્મદરમાં ઐતિહાસિક ઘટાડો, વૃદ્ધોની વધતી સંખ્યા અને યુવાનોના અભાવ વચ્ચે માનવ સંસ્કૃતિ આજે એક એવા ક્રોસરોડ પર આવીને ઊભી છે જ્યાં ‘વસ્તી વિસ્ફોટ’ કરતાં પણ વધુ ભયાનક ‘વસ્તી પતન’ નો ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આજથી બે કે ત્રણ દાયકા પહેલાં વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ, સામાજિક વિજ્ઞાનીઓ અને નીતિનિર્માતાઓ ‘વસ્તી વિસ્ફોટ’ના નામે ચિંતા વ્યક્ત કરતા હતા. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનો, કુદરતી સંપત્તિનો ક્ષય અને પર્યાવરણીય સંતુલન બગાડવા માટે વધતી વસ્તીને જવાબદાર ગણવામાં આવતી હતી. પરંતુ, આજે સ્થિતિ સંપૂર્ણપણે ઊલટી થઈ રહી છે. હાલના વૈશ્વિક ડેટા અને તાજેતરમાં સામે આવેલા આંકડાઓ એક અત્યંત ચિંતાજનક અને ભયાનક સત્ય તરફ ઈશારો કરે છે: માનવજાત હવે વસ્તી વિસ્ફોટથી નહીં, પણ વસ્તીના પતનથી ભયભીત છે.
તાજેતરમાં જાપાનના આંતરિક બાબતો અને સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વસ્તીના ડેટા માત્ર જાપાન માટે નહીં પરંતુ આખી દુનિયા માટે એક જાગૃતિની ઘંટડી છે. ૪૨ વર્ષમાં પહેલી વાર જાપાનના સ્થાનિક નાગરિકોની સંખ્યા ૧૨ કરોડ (૧૨૦ મિલિયન) થી નીચે ગગડી ગઈ છે. એક જ વર્ષમાં ૯.૧૭ લાખ સ્થાનિક નાગરિકોનો ઘટાડો નોંધાયો છે, જે ૧૯૬૮ પછીનો સૌથી મોટો ઐતિહાસિક ઘટાડો છે. જાપાનમાં આખા વર્ષ દરમિયાન માત્ર ૬.૭૦ લાખ બાળકોનો જન્મ થયો છે, જ્યારે તેની સામે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૧૫.૯ લાખથી વધુ પહોંચી ગયો છે. એટલે કે જન્મતાં બાળકો કરતાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા બમણા કરતાં પણ વધારે છે. સરકારે અનેક નાણાકીય પ્રોત્સાહનો આપ્યા, પરિણીત યુગલોને મદદ કરી, છતાં યુવાનો બાળક પેદા કરવા માટે તૈયાર નથી. આ પરિસ્થિતિ માત્ર જાપાન પૂરતી મર્યાદિત નથી; દક્ષિણ કોરિયા, ચીન, ઈટાલી, જર્મની અને અન્ય વિકસિત દેશો પણ આ જ માર્ગે ચાલી રહ્યા છે.
ભવિષ્યમાં જો વધુ બાળકોને જન્મ આપવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં વસ્તી કૂદકે ને ભૂસકે ઘટી જશે. પરંતુ સવાલ એ થાય છે કે યુવા પેઢી બાળકો પેદા કરવાથી કેમ પાછી પાની કરી રહી છે? મોંઘવારી અને આર્થિક બોજ: બાળકનો ઉછેર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય સંભાળ એટલી મોંઘી બની ગઈ છે કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના યુગલો બે કે તેથી વધુ બાળકોનો અતિરિક્ત આર્થિક બોજ ઊંચકવા તૈયાર નથી. આધુનિક યુગમાં મહિલાઓ શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પુરુષો સમોવડી બની છે.
લગ્ન અને બાળકના ઉછેરની જવાબદારીમાં કારકિર્દી પાછળ છૂટી જવાનો ડર પણ જન્મદરમાં ઘટાડા માટે જવાબદાર છે. નવી પેઢી વ્યક્તિગત સ્વાતંત્ર્ય, પ્રવાસ અને આરામદાયક જીવનશૈલીને વધુ પ્રાધાન્ય આપે છે. પારિવારિક જવાબદારીઓ હવે પ્રાથમિકતા રહી નથી. લગ્ન કરવાની સરેરાશ ઉંમરમાં મોટો વધારો થયો છે. ઘણા લોકો મોડા લગ્ન કરે છે અથવા લગ્ન વગર રહેવાનું પસંદ કરે છે, જેના કારણે પ્રજનનક્ષમતાનો સમયગાળો ઘટી જાય છે. કોઈપણ દેશનું અર્થતંત્ર બે મુખ્ય પાયા શ્રમજીવી યુવાબળ અને વપરાશકર્તાઓ પર ટકેલું હોય છે. જ્યારે જન્મદર ઘટે છે, ત્યારે આ બંને પાયા ધ્રૂજી ઉઠે છે.
જો બાળકોનો જન્મ નહીં થાય તો આગામી ૨૦ થી ૩૦ વર્ષમાં ફેક્ટરીઓ, ઓફિસો, ટેકનોલોજી સેક્ટર અને સેવા ક્ષેત્રમાં કામ કરવા માટે યુવાનો જ નહીં હોય. જાપાનનું ઉદાહરણ આપણી સામે છે, જ્યાં સ્થાનિક કાર્યબળ પૂરું કરવા માટે હવે ૮૬% થી વધુ વિદેશી કામદારો પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે કામ કરનારા યુવાનો ઓછા હશે અને નિવૃત્ત વૃદ્ધોની સંખ્યા વધારે હશે, ત્યારે સરકારો પાસે પેન્શન ચૂકવવા માટે કરવેરાનો પૂરતો ટેક્સ બઝેટ નહીં રહે. યુવાન કરદાતાઓ પર અતિરિક્ત કર બોજ વધશે. ઘટતી વસ્તી એટલે કે મકાનો, કાર, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ખાધ્ય સામગ્રી ખરીદનારા લોકોની સંખ્યામાં ઘટાડો. આનાથી વૈશ્વિક બજારોમાં કાયમી મંદીનો યુગ શરૂ થઈ શકે છે.
ફક્ત આર્થિક નહીં, પરંતુ ઘટતી વસ્તીના સામાજિક અને માનસિક પરિણામો પણ અત્યંત ગંભીર હશે. ભવિષ્યમાં કાકા, મામા, માસી, ભાઈ, બહેન જેવા પારિવારિક સંબંધો નામશેષ થઈ જશે, કારણ કે સિંગલ-ચાઈલ્ડ ફેમિલી અથવા ‘ચાઈલ્ડ-ફ્રી’ લાઈફસ્ટાઈલને કારણે પરિવારનું માળખું જ નષ્ટ થઈ જશે. સમાજમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધશે પણ તેમની દેખભાળ કરનાર કોઈ નહીં હોય. આ સ્થિતિ વૃદ્ધાશ્રમો પર બોજ વધારશે અને ડિપ્રેશનના કિસ્સાઓ વધારશે. બાળકોની સંખ્યા ઓછી થવાથી આખા વિશ્વમાં શાળાઓ, કોલેજો અને રમતગમતના મેદાનો સુમસામ બની રહ્યા છે અથવા બંધ કરવા પડી રહ્યા છે. જે દેશોમાં વસ્તી ઝડપથી ઘટી રહી છે, તેઓ પોતાના દેશને ચલાવવા માટે અન્ય દેશોના વિદેશી નાગરિકો પર નિર્ભર બની રહ્યા છે. જાપાનમાં વિદેશી રહેવાસીઓની સંખ્યા ૪૦ લાખને પાર પહોંચી ગઈ છે, જે તેનો ઐતિહાસિક રેકોર્ડ છે.
જ્યારે કોઈ દેશમાં મોટા પાયે વિદેશી શ્રમિકો આવે છે, ત્યારે તે સ્થાનિક સંસ્કૃતિ, ભાષા અને સામાજિક તાણાવાણા પર અસર કરે છે. આનાથી સ્થાનિક અને વિદેશી નાગરિકો વચ્ચે સંઘર્ષ, રાષ્ટ્રવાદની ભાવના અને સામાજિક અસંતુલન પેદા થવાની શક્યતાઓ વધી જાય છે. જો વિશ્વએ વસ્તી પતનના આ ભયાનક સંકટમાંથી બચવું હોય તો માત્ર ઉપદેશો આપવાથી કંઈ નહીં થાય. સરકારો અને સમાજે મળીને વિરાટ નીતિગત ફેરફારો કરવા પડશે.
જેમાં સરકારે બાળકના જન્મથી લઈને તેના શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધીની જવાબદારી અથવા સબસિડી પોતે ઊંચકવી પડશે. કોર્પોરેટ જગતમાં કામના કલાકો ઘટાડવા અને પેરેન્ટલ લીવ (માતા-પિતા બંને માટે રજાઓ) ના નિયમો કડક બનાવવા જરૂરી છે જેથી યુવાનો પરિવાર માટે સમય ફાળવી શકે. જે યુગલો બે કે તેથી વધુ બાળકો પેદા કરે છે તેમને ટેક્સમાં મોટી રાહત, સસ્તા મકાનો અને વિશિષ્ટ સામાજિક લાભો આપવા જોઈએ. લગ્ન અને પરિવારના મહત્વને આધુનિક સંદર્ભમાં પુનઃસ્થાપિત કરવું પડશે. પરિવાર માત્ર એક બોજ નથી પરંતુ જીવનની સુખ-શાંતિનો પાયો છે તે વિચાર યુવા પેઢીમાં વાવવો પડશે.
પૃથ્વી અને માનવજાતનું અસ્તિત્વ માત્ર ભૌતિક વિકાસ કે ટેકનોલોજીથી નથી ટકવાનું, પરંતુ નવી પેઢીના સતત સર્જનથી ટકેલું છે. જો આજે આપણે જન્મદરમાં થઈ રહેલા આ આઘાતજનક ઘટાડાને ગંભીરતાથી નહીં લઈએ, તો ભવિષ્યમાં આપણી પાસે અદ્યતન રોબોટ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને આલીશાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો હશે, પણ તેનો ઉપયોગ કરવા માટે માનવીઓ જ નહીં હોય. જાપાનના વસ્તીવિષયક આંકડા એ માત્ર એક દેશનો અહેવાલ નથી, પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિ માટે સમયનો અરીસો છે. જો અત્યારે જ વિશ્વના દેશો જાગૃત થઈને યોગ્ય પગલાં નહીં ભરે, તો આવનારી સદીઓમાં માનવજાત ખાલી થઈ રહેલી દુનિયામાં પોતાના જ અસ્તિત્વ માટે ઝૂરતી જોવા મળશે તે નક્કી છે.