વડોદરા, તા. 30: 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. મતદાનના પ્રથમ બે કલાકમાં એટલે કે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન 6.06 ટકા મતદાન નોંધાયું છે.
સવારે જ અનેક મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી. યુવા, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ 260 મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી મતદાન પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે.
મતદાન પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ 260 મતદાન મથકો પર કુલ 520 કેમેરા દ્વારા વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ધારાસભા હોલ ખાતે સ્થાપિત વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાંથી 28 કર્મચારીઓની ટીમ ઝોનવાર લાઇવ મોનિટરિંગ કરી રહી છે.
ચૂંટણી તંત્રે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરી છે.