કોઈ સ્ત્રી માતા બને એ સમાચાર નથી. કોઈ મહિલા મેયર માતા બને એ પણ સમાચાર ન હોવા જોઈએ. આવી ઘટના સમાચાર ત્યારે બને, જ્યારે લોકોને તેમાં કંઈક અસામાન્ય જણાય. ઘણી વાર અમુક સમાચાર કરતાં વધુ રસપ્રદ લોકોની પ્રતિક્રિયાઓ હોય છે, જે સૂચવે છે કે સમાજ હજી અનેક પૂર્વગ્રહો, માનસિકતાઓ અને ગ્રંથિઓમાંથી બહાર આવ્યો નથી. તાજેતરમાં જાપાનમાં કંઈક આવું જ બન્યું.
યાવાતા શહેરનાં ૩૫ વર્ષીય મેયર શોકો કાવાતાએ જાહેર કર્યું કે તેઓ માતા બનવાનાં હોવાથી ચાર મહિના માટે પ્રસૂતિ રજા (મેટરનિટી લીવ) લેશે. વાત બહુ સીધીસાદી અને આટલી જ છે, પરંતુ તેણે આખા જાપાનને ચર્ચાના ચકડોળે ચડાવી દીધો. અખબારોમાં તેમના વિશે તંત્રીલેખો લખાયા. આમ કરવું યોગ્ય કહેવાય કે નહીં તે બાબતે અભિપ્રાયો મંગાવાયા અને સર્વેક્ષણો યોજાયાં. ટીવી પર ચર્ચાઓ થઈ. સમગ્ર ચર્ચાનું કેન્દ્ર એક જ સવાલ હતો કે એક મેયર માતૃત્વ રજા લઈ શકે કે નહીં. આ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં કે આવું કેમ? અને એ પણ જાપાન જેવા પ્રગતિશીલ દેશમાં?
મૂળ મુદ્દો મેયરના માતૃત્વનો નહીં, પરંતુ એ નિમિત્તે જાપાનીઓની પ્રતિક્રિયાનો છે. હકીકતમાં જાપાનમાં સામાન્ય નોકરી કરતી સ્ત્રીઓને માતૃત્વ રજાનો અધિકાર છે. એટલે આવી રજાનો વિચાર ત્યાં નવો નથી; બલ્કે સ્વીકૃત છે. પરંતુ ચૂંટાયેલા મેયર માટે એવો કોઈ નિયમ નથી, કારણ કે આજ દિન સુધી કોઈ મહિલા મેયરે આવી રજા લીધી જ નહોતી. કાયદો ઘડનારાઓએ કદાચ વિચાર્યું જ નહોતું કે શહેરનું નેતૃત્વ કરતી કોઈ વ્યક્તિ ગર્ભવતી પણ થઈ શકે. કાવાતાએ એક મુલાકાતમાં કહ્યું કે સંતાનજન્મ કોઈ પુરુષના શરીર પર અસર કરતો નથી, પરંતુ સ્ત્રીના શરીર પર અવશ્ય કરે છે. અને આ બાબત કંઈ અજાણી નથી; બલ્કે એક જૈવિક અને જાહેર સત્ય છે. છતાં આધુનિક કાર્યસંસ્કૃતિ એવી ઊભી થઈ છે કે કર્મચારી કોઈ માણસ નહીં, પણ સતત કામ કરતું યંત્ર હોય. તેને ન કોઈ બીમારી હોય, ન વૃદ્ધાવસ્થા. માતૃત્વ કે પિતૃત્વ પણ ન હોય.
તેણે તો બસ કામ કર્યે જવાનું. જાપાનમાં આ પ્રશ્ન વધુ તીવ્ર છે. ત્યાં કામ પ્રત્યેની નિષ્ઠા લગભગ સાંસ્કૃતિક મૂલ્ય ગણાય છે. ‘કરોશી’, એટલે કે ‘અતિશય કામના કારણે મૃત્યુ’, જેવો શબ્દ જાપાને જ દુનિયાને આપ્યો છે. આવા દેશમાં એક યુવા મહિલા મેયર માતૃત્વ માટે રજા ભોગવવાની વાત કરે, તેને પગલે રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ જાય તેમાં આશ્ચર્ય થવું ન જોઈએ. સવાલ એ છે કે શું આ પ્રશ્ન કેવળ જાપાન પૂરતો મર્યાદિત છે? આપણી આસપાસ નજર કરીએ તો ખ્યાલ આવશે કે સ્ત્રી માટે સફળતાની વ્યાખ્યા ઘણી વખત વિચિત્ર હોય છે. તે આગળ વધે, નેતૃત્વ કરે, નિર્ણયો લે — એ બધું બરાબર; પરંતુ એ જ સ્ત્રી માતા બને એટલે અચાનક પ્રશ્નો શરૂ થાય છે.
તે હવે કામ કેવી રીતે સંભાળશે? તેની વ્યાવસાયિક જવાબદારીઓનું શું? કારકિર્દી માટે તે સમય ક્યાંથી કાઢશે? આવા જ પ્રશ્નો નવા પિતા બનેલા પુરુષને ભાગ્યે જ પૂછાય છે. કેમ જાણે કે સંતાન ભલે બંનેનું હોય, પરંતુ જવાબદારી એકલી સ્ત્રીની જ હોય. આ માનસિકતા જાપાન પૂરતી મર્યાદિત નથી. પરંતુ જાપાનના સંદર્ભમાં એક બીજી વિસંગતિ પણ ધ્યાન ખેંચે છે. તે એ કે જાપાન આજે ઝડપથી ઘટતી જતી વસ્તીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. લગ્નનું પ્રમાણ ઘટે છે, જન્મદર સતત નીચે જઈ રહ્યો છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. સરકાર વર્ષોથી યુવાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરવાની યોજનાઓ ઘડી રહી છે.
એક તરફ સમાજને વધુ બાળકો જોઈએ છે અને બીજી તરફ એક મહિલા મેયર માતૃત્વને કારણે થોડા મહિના માટે જાહેર જીવનમાંથી વિરામ લેવાની વાત કરે છે ત્યારે તેના પર રાષ્ટ્રીય ચર્ચા થાય છે. વસ્તી વધારવાની ચિંતા અને માતૃત્વ પ્રત્યેની માનસિકતા વચ્ચેનો આ વિરોધાભાસ વિચિત્ર ન કહેવાય?કાવાતાના પ્રસંગ અંગે એક જાપાની અખબારે યોગ્ય રીતે લખ્યું હતું કે પ્રશ્ન એ નથી કે મેયર રજા લે છે; પ્રશ્ન એ છે કે તેમની ગેરહાજરીમાં પણ શહેરનું વહીવટતંત્ર સરળતાથી ચાલે એવી વ્યવસ્થા છે કે નહીં. આ બાબત કોઈ પણ લોકશાહી માટે અગત્યની કહી શકાય. સારા નેતાની ઓળખ એ નથી કે તેમના વિના કશું ચાલે નહીં; સારા નેતાની ઓળખ એ છે કે તેમના વિના પણ સંસ્થા સુચારુ રીતે ચાલતી રહે.
કોઈ પણ સમાજમાં પરિવર્તનની શરૂઆત કેવળ કાયદો બનાવી દેવાથી થતી નથી. પહેલાં દૃષ્ટિકોણ બદલવો જરૂરી છે. કાલ સુધી અસામાન્ય લાગતી વાત આજે સહજ લાગે છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ડૉક્ટર, ન્યાયાધીશ કે પાયલટ બને એ સમાચાર હતા. આજે તેની નવાઈ નથી. એ જ રીતે કોઈ મહિલા મેયર માતૃત્વ રજા લે એ પણ કદાચ આવતી કાલે સમાચાર નહીં રહે. અલબત્ત, એ દિવસ આવશે કે નહીં, એ તો સમય કહેશે. પરંતુ ત્યાં સુધી એક પ્રશ્ન રહેવાનો જ છે : કોઈ સમાજ કેટલો આધુનિક છે તેનો નિર્ણય તેની ટેક્નોલોજી કરતી નથી; પરંતુ હજી તેને કઈ બાબત અસામાન્ય લાગે છે, તેના પરથી તે નક્કી થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.