દૃશ્યો વાયરલ થતાં ગૌરક્ષકોમાં આક્રોશ
યોગ્ય ખોરાક, પાણી અને સારવારના અભાવના આક્ષેપ
વડોદરા, તા. 30: શહેરના પ્રતાપનગર બ્રિજ નીચે આવેલી પાંજરાપોળમાં પશુઓની સંભાળ અંગે ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવતા વિવાદ ઊભો થયો છે. સ્થળ પરથી સામે આવેલા દૃશ્યો બાદ સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. માહિતી મળતા ગૌરક્ષકો અને ગૌપાલકોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં અનેક ગાયો અત્યંત નાજુક અને દયનીય હાલતમાં જોવા મળી હતી.

ગૌરક્ષકોના જણાવ્યા અનુસાર કેટલીક ગાયોને પૂરતો ખોરાક, સ્વચ્છ પાણી અને સમયસર પશુચિકિત્સકીય સારવાર મળતી નથી. બીમાર પશુઓની નિયમિત સારવાર ન થતાં તેમની સ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

તપાસ અને કડક કાર્યવાહીની ઉઠી માંગ
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. લોકોએ પશુઓ પ્રત્યેની આ પ્રકારની બેદરકારીને અમાનવીય ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગૌરક્ષકોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાંજરાપોળમાં રહેલા તમામ પશુઓની તબીબી તપાસ કરીને યોગ્ય સારવાર, પોષણ અને સંભાળ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પશુપાલન વિભાગ અને પાલિકા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.