સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર મોટી કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા તેના પિતાના નિવાસ્થાનેથી વહેલી સવારે સુરતની પુણા પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડા બાદ પોલીસ કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈને સુરત જવા રવાના થઈ ગઈ છે.
રતનપરમાં પિતાના ઘરેથી વહેલી સવારે ધરપકડ
મળતી વિગતો મુજબ, કીર્તિ પટેલ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ તેના પિતાના ઘરે રોકાયેલી હતી. સુરતના પુણા પોલીસ સ્ટેશનની ટીમે સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને વહેલી સવારે એકાએક દરોડો પાડ્યો હતો. ઘરની ઘેરાબંધી કરીને પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી લીધી હતી.
એસિડ એટેકની ધમકી અને તોડનો ગંભીર આક્ષેપ
સુરતના એક વેપારીને સોશિયલ મીડિયા અને ફોન દ્વારા ધમકાવવા, તેમની પાસેથી ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરવી (એક્સ્ટોર્શન) તેમજ જાનથી મારી નાખવાની કે એસિડ ફેંકવાની ગંભીર ધમકી આપવા બદલ પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુના સંદર્ભે કીર્તિ પટેલ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતી ફરતી હતી. પુણા પોલીસને તે પિતાના ઘરે રોકાયેલી હોવાની ચોક્કસ બાતમી મળતાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સંયુક્ત કામગીરી બાદ સુરત લઈ જવાઈ
આ સમગ્ર કામગીરી બંને જિલ્લાની પોલીસના યોગ્ય સંકલનથી પાર પાડવામાં આવી હતી. ધરપકડ અંગેની તમામ કાયદાકીય અને કાગળ પરની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પુણા પોલીસ તેને કસ્ટડીમાં લઈને સુરત આવી ગઈ છે. હવે આ મામલે આગળની કડક પૂછપરછ અને તપાસની કાર્યવાહી સુરત ખાતે હાથ ધરવામાં આવશે.