SURAT

સુરત જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન તેજ, 1,117 લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાયા

સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે આગોતરા પગલાં લીધા છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વિવિધ તાલુકાના સંવેદનશીલ ગામોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 1,117 ગ્રામજનોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી લઈને 10 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે સમયસર કાર્યવાહી કરીને લોકોને જોખમી વિસ્તારોમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.

સ્થળાંતર કરાયેલા ઘણા લોકોને તેમના સગાસંબંધીઓના ઘરે મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોને સરકારી પ્રાથમિક શાળાઓ, કમ્યુનિટી હોલ અને શેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ સ્થળોએ રહેવા, ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બારડોલી તાલુકાના કડોદ અને અસ્તાન સહિતના વિસ્તારોમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કામરેજ તાલુકાના ચીખલી ગામમાંથી 34 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકામાં સૌથી વધુ અસર જોવા મળી હતી. વસરાવી, લુવારા, હરણગામ, વાંકલ, ભીલવાડા, ખરેડા, બોરીયા, શાહ અને અંબાવાડી સહિતના ગામોમાંથી કુલ 321 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઓલપાડ તાલુકાના કીમ, કંટાસણ, મિર્ઝાપુર, વડદ, અંટોલી, ટકારા અને ઓલપાડ ગ્રુપ વિસ્તાર સહિતના ગામોમાંથી કુલ 99 લોકોને પ્રાથમિક શાળાઓ અને કમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યા છે. ચોર્યાસી તાલુકાના સેગવા સહિતના વિસ્તારોમાંથી પણ 40 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અંબિકા તાલુકાના મહુવરિયા, ઉમરા, ભોરીયા અને તરકારી ગામોમાંથી 151 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અરેઠ તાલુકાના ટુંકેદ, પાતલ, બોરીગાળા અને પરવાટ ગામોમાંથી 76 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

માંડવી તાલુકામાં પણ ભારે વરસાદની અસર વચ્ચે બોરી, ગોડસંબા, ઈસર અને લાડકુવા ગામોમાંથી કુલ 276 લોકોને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ડેમ અને નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગોતરા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે સ્થળાંતર કરાયેલા તમામ લોકો માટે રહેવા અને જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે. હાલ પલસાણા અને ઉમરપાડા સહિતના વિસ્તારો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. જો આગામી કલાકોમાં વરસાદ વધુ વધશે અથવા પાણીનું સ્તર જોખમી બનશે તો ત્યાં પણ તાત્કાલિક સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા તંત્રની તમામ ટીમો સતત ફિલ્ડમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વહીવટી તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

Most Popular

To Top