સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે મહત્વપૂર્ણ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક ચાલુ રાખવામાં આવ્યો છે, જ્યારે અનેક સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને કેટલાક માર્ગો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ડાયવર્ઝનનું પાલન કરવા અને વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.
પ્રદેશ-1માં આયુર્વેદિક ગાર્ડન રોડ પર પાણી ભરાયા હોવા છતાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલુ છે. ભીમનગર ગાર્ડન તરફ જતો માર્ગ બંધ હોવાથી વાહનોને ઉધના-ડિંડોલી મુખ્ય પુલ તરફથી ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે. ગોકુલનગર ગાર્ડન વિસ્તારમાં પણ વાહનોને ઉધના-નવાગામ મુખ્ય પુલ તરફ વાળવામાં આવી રહ્યા છે. પ્રદેશ-2માં સૂર્યકિરણ ગાર્ડન પાસેનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. અહીં નાના વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રદેશ-3માં ખોડિયાર મંદિર પાસેનો માર્ગ સંગિની સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બાટલીબોય ચાર રસ્તા, ચીકુવાડી માયા રોડ, પંચમુખી હનુમાન મંદિર વિસ્તાર તેમજ પનસ જકાત નાકાથી યુનિવર્સિટી રોડ તરફ જતા વાહનોને BRTS રૂટ મારફતે મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે DGVCLથી શ્યામ મંદિર રોડ પર હાલ ટ્રાફિક સામાન્ય રીતે ચાલુ છે. ડીજીવીસીએલ ચાર રસ્તાથી મહાવીર કોલેજ રોડ તરફ જતાં વાહનોને ભૂલકા ભવન સર્કલ અને શ્રીરામ ચોક થઈને વૈકલ્પિક માર્ગ અપાયો છે.
પ્રદેશ-4માં કોઝવે રોડ સુરક્ષા કારણોસર SMC દ્વારા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. જ્યારે બોટનિકલ ગાર્ડન રોડ, ભુલાભાઈ દેસાઈ રોડથી અક્ષર ગ્રામ સર્કલ, ONGC સર્કલથી CNG પંપ રોડ, મસાલા સર્કલથી તડવવાડી સર્કલ અને સુભાષ નગર સર્કલ વિસ્તારમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે.
