Entertainment

રશ્મિકાનો અત્યાર સુધીનો સૌથી રૉ અવતાર! ‘માયસા’નું ટીઝર જોઈ ફેન્સ થયા ક્રેઝી

રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ ‘માયસા’ને લઈને લાંબા સમયથી ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના પોસ્ટર અને રશ્મિકાના લુક બાદ હવે મેકર્સે તેનું દમદાર ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં રશ્મિકા એકદમ અલગ અને રૉ અવતારમાં જોવા મળી રહી છે. એક્શનથી ભરપૂર આ ઝલકમાં તેનું પાત્ર મજબૂત, નિર્ભય અને પોતાના હક માટે લડતી મહિલા તરીકે નજરે પડે છે. ‘માયસા’ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મંદાના એક આદિવાસી ગોંડ યુવતીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં તેના પાત્રમાં લાગણી, સંઘર્ષ અને હિંમતના અલગ-અલગ પાસાં જોવા મળશે. ટીઝરમાં તે માત્ર મુશ્કેલીઓ સામે લડતી નથી, પરંતુ પોતાના અસ્તિત્વ અને અધિકાર માટે સંઘર્ષ કરતી મહિલા તરીકે પણ જોવા મળે છે.

2 મિનિટ 3 સેકન્ડના ટીઝરની શરૂઆતથી જ ફિલ્મનો ગંભીર અને રોમાંચક માહોલ જોવા મળે છે. રશ્મિકાના પાત્રનો ઉગ્ર અંદાજ અને તેના ચહેરા પર જોવા મળતો ગુસ્સો તથા મક્કમતા ફિલ્મની વાર્તા અંગે ઉત્સુકતા વધારે છે. ટીઝરમાં તેના એક્શન સીન્સ પણ ખાસ ધ્યાન ખેંચે છે. ખાસ કરીને અંડરવોટર એક્શન સીનમાં રશ્મિકાનો લુક અને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. ટીઝરમાં રશ્મિકાનું પાત્ર પોતાની સામે ઊભા થતા પડકારો સામે ઝૂકવાને બદલે તેનો સામનો કરવાનો નિર્ણય લે છે. તેના પાત્રની આ લડત ફિલ્મની વાર્તાનો મુખ્ય આધાર હોવાનું ટીઝર પરથી જોવા મળે છે. ફિલ્મમાં વિરોધ, સંઘર્ષ અને પોતાના અસ્તિત્વ માટેની લડાઈને મહત્વ આપવામાં આવ્યું હોવાનું જણાય છે.

રશ્મિકાનો આ અંદાજ તેના અત્યાર સુધીના કેટલાક જાણીતા પાત્રોથી અલગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક્શન સિક્વન્સ માટે અભિનેત્રીએ કરેલી મહેનત પણ ટીઝરમાં દેખાઈ રહી છે. તેના લુકથી લઈને એક્શન મૂવમેન્ટ સુધી દરેક બાબતમાં પાત્રને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કેટલાક ફેન્સે રશ્મિકાના એક્શન અવતારના વખાણ કર્યા છે. એક યુઝરે ટીઝર જોઈને લખ્યું કે તેને રુવાંટા ઊભા થઈ ગયા. જ્યારે અન્ય એક યુઝરે ‘પુષ્પા’ની શ્રીવલ્લીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે શ્રીવલ્લી બોક્સ ઓફિસ પર રાજ કરશે.

રશ્મિકા મંદાનાને ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીમાં શ્રીવલ્લીના પાત્રથી દેશભરમાં ખાસ લોકપ્રિયતા મળી હતી. હવે ‘માયસા’માં તેનો એકદમ અલગ અને ગંભીર અવતાર જોવા મળવાનો છે. આ કારણે ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સુકતા વધુ વધી છે. ‘માયસા’નું દિગ્દર્શન રવીન્દ્ર પુલ્લે કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ અનફોર્મુલા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રશ્મિકા ઉપરાંત ઈશ્વરી રાવ, ગુરુ સોમસુંદરમ અને રાવ રમેશ પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ચૂકી છે. ‘માયસા’ 27 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝર સામે આવ્યા બાદ હવે ફિલ્મની વાર્તા અને રશ્મિકાના પાત્રને લઈને દર્શકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. રશ્મિકાએ ફિલ્મ માટે એક્શન ટ્રેનિંગ પણ લીધી છે. થોડા સમય પહેલાં તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે કેરળમાં ચાલી રહેલું ફિલ્મનું લાંબું શૂટિંગ શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

‘માયસા’માં એક્શન સિક્વન્સને અસરકારક બનાવવા માટે રશ્મિકાએ ખાસ તૈયારી કરી હતી. તેણે થાઈલેન્ડના બેંગકોકમાં સ્ટન્ટ અને કોમ્બેટ ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન તેણે દરરોજ 8 કલાકથી વધુ સમય સુધી ટ્રેનિંગ કરી હતી. ફાઈટ અને સ્ટન્ટ ઉપરાંત એક્શન સીન માટે જરૂરી વિવિધ પ્રકારની પ્રેક્ટિસ પણ તેણે કરી હતી. હવે ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ રશ્મિકાનો આ નવો અવતાર દર્શકોને કેટલો પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે. ‘પુષ્પા’માં શ્રીવલ્લી તરીકે દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યા બાદ હવે ‘માયસા’માં એક્શનથી ભરપૂર ભૂમિકામાં રશ્મિકા જોવા મળશે. ફિલ્મની રિલીઝને હજુ સમય છે, પરંતુ ટીઝરે ફિલ્મને લઈને ચર્ચા ચોક્કસ વધારી દીધી છે.

Most Popular

To Top