2027ના ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય સિનેમા માટે ખાસ તક ઊભી થઈ છે. મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે નાગાલેન્ડની ફિલ્મ ‘અંગ’એ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીતીને ઓસ્કારની દોડમાં સામેલ થવાનો માર્ગ મેળવ્યો છે. બંને ફિલ્મો અલગ-અલગ રીતે ઓસ્કાર સુધી પહોંચવાની આશા ધરાવે છે. જોકે, અત્યારે બંનેમાંથી કોઈ ફિલ્મને અંતિમ નોમિનેશન મળ્યું નથી. ‘અંગ’ને ઓસ્કારની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં વિચારણા માટે પાત્રતા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલી સફળતાને કારણે મળી છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ ફિલ્મે ફેસ્ટિવલનો પ્લેટફોર્મ એવોર્ડ જીત્યો હતો. આ સાથે તેને 20 હજાર કેનેડિયન ડોલરનું ઇનામ પણ મળ્યું હતું. નવા નિયમ મુજબ, પસંદગીના છ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નિર્ધારિત પુરસ્કાર જીતનારી બિનઅંગ્રેજી ભાષાની ફિલ્મ પોતાના દેશની સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કારની આ કેટેગરીમાં વિચારણા માટે પાત્ર બની શકે છે. આ ફેસ્ટિવલમાં ટોરોન્ટો ઉપરાંત કાન, બર્લિન, વેનિસ, બુસાન અને સનડાન્સનો સમાવેશ થાય છે.
‘અંગ’ની વાર્તા 1962-1963ના સમયગાળાના નાગાલેન્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. તે સમયે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યો નહોતો. ફિલ્મમાં કોન્યાક નાગા સમુદાયના એક વૃદ્ધ ગામના મુખિયા અને તેમના પુત્રની વાત રજૂ કરવામાં આવી છે. કોન્યાક સમુદાયની પરંપરાઓ અને માન્યતાઓ વચ્ચે એક અમેરિકન મિશનરીના આગમનથી ગામના જીવનમાં પરિવર્તન આવવા લાગે છે. ધીમે ધીમે ગામના લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવવા લાગે છે, પરંતુ જૂની પરંપરાઓને વળગી રહેલા મુખિયાને આ પરિવર્તન સ્વીકારવું મુશ્કેલ બને છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક સંઘર્ષની અસર મુખિયા અને તેમના પુત્રના સંબંધો પર પણ પડે છે.
ફિલ્મને 1960ના દાયકાનો અસલ માહોલ આપવા માટે 16mm કેમેરાથી શૂટ કરવામાં આવી છે. તેમાં કોન્યાક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીને વાસ્તવિક રીતે રજૂ કરી શકાય. ફિલ્મના દિગ્દર્શક 31 વર્ષીય તેજા રિયો છે. તેમણે અગાઉ ‘અંગ’ નામની ટૂંકી ફિલ્મ બનાવી હતી, જેને વિસ્તારીને ફીચર ફિલ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં ગામના મુખિયાની ભૂમિકા સ્થાનિક સ્ટેન્ડ-અપ કોમેડિયન એંગલોંગ કોન્યાકે ભજવી છે, જ્યારે અમેરિકન મિશનરીના પાત્રમાં બ્રિટિશ અભિનેતા ડગ્લાસ હેનશાલ જોવા મળે છે. અન્ય કલાકારોમાં સોબિનો રેંગમા, ગેનપાઈ કોન્યાક અને વાંગટન કોન્યાકનો સમાવેશ થાય છે.
ફિલ્મને ઓસ્કાર સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં પ્રચાર માટેનું ભંડોળ પણ મોટો પડકાર બની શકે છે. સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ‘ગોંધલ’ને પ્રચાર માટે સરકારી આર્થિક સહાય મળવાની છે, જ્યારે ‘અંગ’ને સત્તાવાર એન્ટ્રીનો દરજ્જો ન હોવાથી તેના નિર્માતાઓએ પ્રચાર અને ઓસ્કાર અભિયાનનો ખર્ચ જાતે ઉઠાવવો પડશે. તેમ છતાં, આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલી સફળતાને કારણે ફિલ્મને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, જે તેની ઓસ્કાર સફરમાં મદદરૂપ થઈ શકે છે. બીજી તરફ, ‘ગોંધલ’ને ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 2027ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી છે. સંતોષ દાવાખર દ્વારા દિગ્દર્શિત આ મરાઠી ફિલ્મ મહારાષ્ટ્રની પરંપરાગત ‘ગોંધલ’ લોકવિધિની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. કુલ 33 ફિલ્મોમાંથી તેની પસંદગી કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ ઓસ્કારની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
‘ગોંધલ’ અને ‘અંગ’ની ઓસ્કાર સફરમાં મુખ્ય તફાવત એ છે કે એક ફિલ્મને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે બીજી ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલા પુરસ્કારના આધારે અલગ માર્ગ મળ્યો છે. ઓસ્કારની વિચારણા માટે પાત્રતા મેળવવી અને અંતિમ પાંચ ફિલ્મોમાં સ્થાન મેળવવું અલગ તબક્કા છે. હવે બંને ફિલ્મો આગળના તબક્કામાં કેટલી સફળતા મેળવે છે તેના પર સૌની નજર રહેશે. ઓસ્કારના ઇતિહાસમાં ભારતની ‘મધર ઇન્ડિયા’, ‘સલામ બોમ્બે!’ અને ‘લગાન’ જેવી ફિલ્મો અંતિમ પાંચ ફિલ્મોમાં સ્થાન મેળવી ચૂકી છે. ‘છેલ્લો શો’ અને ‘હોમબાઉન્ડ’ પણ ઓસ્કારની શોર્ટલિસ્ટ સુધી પહોંચી હતી. હવે ‘ગોંધલ’ અને ‘અંગ’ની સફર ભારતીય સિનેમા માટે વધુ એક તક બની શકે છે.