World

અઝરબૈજાનમાં સ્કૂલોના ડ્રેસ કોડને લઈને વિવાદ, હિજાબ પહેરતી વિદ્યાર્થિનીઓનો વર્ગોનો બહિષ્કાર

મુસ્લિમ બહુમતી ધરાવતા અઝરબૈજાનમાં સ્કૂલોમાં હિજાબ પહેરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ડ્રેસ કોડના નિયમોના અમલ બાદ હિજાબ પહેરીને સ્કૂલે પહોંચેલી કેટલીક વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકાઓને વર્ગખંડમાં પ્રવેશ ન મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ વર્ગોનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મુદ્દે અઝરબૈજાનની બહાર તુર્કિયેમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયાં છે. સરકારનું કહેવું છે કે સ્કૂલોમાં તમામ વિદ્યાર્થીઓ માટે સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. નવા નિયમોમાં હિજાબ પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ શાળાના ધર્મનિરપેક્ષ માળખા સાથે અસંગત ગણાતા વસ્ત્રો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દેશની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પરંપરાઓ સાથે જોડાયેલાં કપડાં ખાસ પ્રસંગોએ પહેરવાની છૂટ હોઈ શકે છે, પરંતુ તેના માટે શાળાની સંબંધિત સમિતિની મંજૂરી લેવી જરૂરી હોવાનું જણાવાયું છે.

અઝરબૈજાનની આશરે 96 ટકા વસ્તી મુસ્લિમ છે. તેમાં શિયા મુસ્લિમોની બહુમતી છે, જ્યારે સુન્ની મુસ્લિમો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. જોકે, દેશનું બંધારણ અઝરબૈજાનને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે ઓળખાવે છે અને નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. સરકાર સમાન ડ્રેસ કોડના અમલ પર ભાર મૂકી રહી છે, જ્યારે વિરોધ કરનારાઓનું કહેવું છે કે હિજાબ પહેરવો એ વ્યક્તિની ધાર્મિક આસ્થા અને અંગત પસંદગીનો વિષય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં હિજાબ પહેરીને સ્કૂલે પહોંચેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન મળતાં તેઓ શિક્ષિકાઓને ભેટીને રડતી જોવા મળે છે. શિક્ષિકા ઝહરા હસાનોવાએ પણ હિજાબ પહેરીને સ્કૂલે આવવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમના મતે, હિજાબ પહેરવો કે નહીં તે વ્યક્તિની પોતાની પસંદગી હોવી જોઈએ.

આ વિવાદમાં જેલમાં બંધ પત્રકાર પોલાદ અસલાનોવનું નામ પણ સામે આવ્યું છે. વર્ષ 2020માં દેશદ્રોહના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા અસલાનોવે નવા નિયમોના વિરોધમાં ભૂખ હડતાળ શરૂ કરી હોવાનું જણાવાયું છે. તેમની પત્ની ગુલમિરા અસલાનોવા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા સંદેશમાં તેમણે નાગરિકોના બંધારણીય અધિકારોના કથિત ઉલ્લંઘન સામે વિરોધ નોંધાવ્યો હતો. દેશમાં ઇન્ટરનેટ બંધ થવાની પણ ચર્ચા થઈ હતી, પરંતુ આ અંગે સ્વતંત્ર પુષ્ટિ મળી નહોતી. અઝરબૈજાનમાં શરૂ થયેલો વિરોધ હવે તુર્કિયે સુધી પહોંચ્યો છે. ઇસ્તાંબુલમાં અઝરબૈજાનના વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા અને સરકારને ડ્રેસ કોડના નિયમો પર પુનર્વિચાર કરવાની માગ કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ આ મુદ્દાની સરખામણી તુર્કિયેમાં 1997ના સમયગાળા દરમિયાન હિજાબ પહેરતી મહિલાઓને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પડેલી મુશ્કેલીઓ સાથે કરી હતી.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે એક રાજકીય બેઠક દરમિયાન કહ્યું હતું કે કોઈએ દેશની જીવનશૈલીમાં દખલ કરવી જોઈએ નહીં. તેમણે તુર્કિયેનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને આ મુદ્દે ચાલી રહેલા પ્રાદેશિક વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ ધાર્મિક સ્વતંત્રતા અને ધર્મનિરપેક્ષ શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવા અંગે નવી ચર્ચા શરૂ કરી છે. સરકાર સમાન ગણવેશ અને ધર્મનિરપેક્ષ શિક્ષણના સિદ્ધાંત પર ભાર મૂકી રહી છે, જ્યારે વિરોધ કરનારાઓનું કહેવું છે કે ધાર્મિક વસ્ત્રોના કારણે વિદ્યાર્થિનીઓને શિક્ષણથી વંચિત રાખવી યોગ્ય નથી. હવે સરકાર આ નિયમોના અમલ અંગે શું પગલાં લે છે અને વિરોધ વચ્ચે કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.

Most Popular

To Top