India

ગણેશ પ્રતિમાની બાજુમાં લગાવ્યો અશ્લીલ વેબસાઇટનો QR કોડ, 3 યુવકો સામે કેસ

મહારાષ્ટ્રના વાશિમ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગણેશજીની પ્રતિમા પાસે અશ્લીલ વીડિયો સુધી પહોંચાડતો QR કોડ લગાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ બાદ 19થી 20 વર્ષની ઉંમરના ત્રણ યુવકોને પકડી લીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ પૂછપરછ દરમિયાન આ QR કોડ પૈસા કમાવવાના હેતુથી લગાવ્યો હોવાનું કબૂલ્યું છે.

આ સમગ્ર મામલો વાશિમ શહેરના કાળે ફાઇલ વિસ્તારમાં આવેલા જય ભવાની ગણેશ ઉત્સવ મંડળના પંડાલનો છે. 18 સપ્ટેમ્બરે મંડળના કેટલાક સભ્યોની નજર ગણેશજીની પ્રતિમાના પગ પાસે લગાવવામાં આવેલા એક QR કોડ પર પડી હતી. સભ્યોએ જ્યારે આ કોડ સ્કેન કર્યો ત્યારે તેમને એક ટેલિગ્રામ ગ્રુપ પર લઈ જવામાં આવ્યા, જ્યાં અશ્લીલ વીડિયોની લિંક્સ જોવા મળી હતી. ત્યારબાદ મંડળના વરિષ્ઠ સભ્યોને પણ આ અંગે જાણ કરવામાં આવી અને તેમણે પણ કોડ સ્કેન કરીને તેની પુષ્ટિ કરી હતી.મામલો ગંભીર લાગતાં મંડળના સભ્યો તરત જ વાશિમ શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણ કરી.

પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને પંડાલ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની તપાસ શરૂ કરી. CCTV ફૂટેજમાં સામે આવ્યું કે 17 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 11 વાગ્યે બે બાઈક પર ત્રણ યુવકો પંડાલ પાસે આવ્યા હતા. તેમાંથી એક યુવક ગણેશજીની પ્રતિમા પાસે ગયો અને ત્યાં QR કોડ ચોંટાડતો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ બીજો યુવક પણ ત્યાં આવ્યો અને QR કોડને તપાસ્યા બાદ ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા.

મંડળના અધ્યક્ષે અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની જાણ વાશિમ જિલ્લાના પોલીસ અધિક્ષક નિકેશ ખાટમોડેને પણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના અન્ય CCTV ફૂટેજની તપાસ કરી અને ત્રણેય યુવકોની ઓળખ કરી. તેમની ઓળખ તન્મય મુધાલ, યુગંધર અફુણે અને સુબોધ તરીકે થઈ છે. ત્રણેયની ઉંમર 19થી 20 વર્ષની વચ્ચે હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.પોલીસના SDPO રામેશ્વર પવારના જણાવ્યા મુજબ, યુવકોએ QR કોડ લગાવવાનો હેતુ પૈસા કમાવવાનો હોવાનું જણાવ્યું છે. કોઈ વ્યક્તિ QR કોડ સ્કેન કરે ત્યારે તે ટેલિગ્રામ ગ્રુપ સુધી પહોંચતો હતો અને આરોપીઓને દરેક સ્કેન બદલ ₹10થી ₹15 મળતા હતા.

પૂછપરછ દરમિયાન યુવકોએ વાશિમ શહેરમાં જ એક હનુમાન મંદિર અને કોલેજની બહાર પણ આવા QR કોડ લગાવ્યા હોવાની માહિતી આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.વાશિમ શહેર પોલીસે ત્રણેય સામે કેસ નોંધ્યો છે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા પોલીસને પૂછપરછ માટે કસ્ટડી આપવામાં આવી છે. હવે તપાસમાં આવા QR કોડ ક્યાંથી મેળવવામાં આવ્યા હતા, પૈસા આપવાની વ્યવસ્થા કેવી રીતે ચાલતી હતી અને શહેરમાં અન્ય સ્થળોએ પણ આવા કોડ લગાવવામાં આવ્યા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top