આપી હતી જીવના જોખમની ચેતવણી છતાં ન માન્યા!
ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના શરૂઆતના દિવસોની એક મહત્વપૂર્ણ ઘટના ફરી ચર્ચામાં આવી છે. બાંગ્લાદેશના સ્થાપક અને તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહમાનની હત્યાના થોડા મહિના પહેલાં RAWના પ્રથમ વડા રામેશ્વર નાથ કાવ (R.N. Kao) ગુપ્ત રીતે ઢાકા પહોંચ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે પાનના પાનના વેપારીનો વેશ ધારણ કર્યો હતો. કાવનો હેતુ મુજીબુર રહમાનને તેમના જીવ પર રહેલા ગંભીર ખતરાની સીધી ચેતવણી આપવાનો હતો.
આ ઘટના 1974ની હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તે સમયે બાંગ્લાદેશની સેનાના કેટલાક અધિકારીઓ શેખ મુજીબુર રહમાન વિરુદ્ધ કથિત કાવતરું ઘડી રહ્યા હોવાની માહિતી ભારતીય ગુપ્તચર તંત્ર સુધી પહોંચી હતી. આ માહિતી એક કાગળના ટુકડા મારફતે RAWના એક ઓપરેટિવ સુધી પહોંચી અને અંતે R.N. કાવ સુધી પહોંચી હતી. પત્રકાર અશોક
રૈનાની 1981માં પ્રકાશિત પુસ્તક ‘Inside RAW: The Story of India’s Secret Service’ માં આ સમગ્ર ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર જૂન 1974ની આસપાસ મેજર સૈયદ ફારૂક રહમાન અને મેજર ખાંડેકર અબ્દુર રશીદ સહિત કેટલાક બાંગ્લાદેશી સૈન્ય અધિકારીઓ તત્કાલીન ડેપ્યુટી આર્મી ચીફ ઝિયાઉર રહમાનના ઘરે મળ્યા હતા.
આ માહિતી મળ્યા બાદ R.N. કાવને લાગ્યું કે મામલો એટલો ગંભીર છે કે સીધી કાર્યવાહી જરૂરી છે. તેમણે આ અંગે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને માહિતી આપી હતી. ત્યારબાદ પોતાની ઓળખ જાહેર કર્યા વગર તેઓ ઢાકા પહોંચ્યા અને પાનના વેપારી તરીકે શેખ મુજીબુર રહમાન સાથે ગુપ્ત મુલાકાત કરી. અશોક રૈનાના વર્ણન મુજબ બંને વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ હતી. કાવની વિનંતી પર મુલાકાત બંગભવનના લૉનમાં એવી જગ્યાએ થઈ હતી જ્યાં તેમની વાત અન્ય કોઈ સાંભળી ન શકે.
મુલાકાત દરમિયાન કાવે મુજીબને જણાવ્યું કે RAW પાસે એવી વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. અહેવાલ મુજબ કાવે કથિત કાવતરામાં સામેલ હોવાની શંકા ધરાવતા કેટલાક સૈન્ય અધિકારીઓના નામ પણ જણાવ્યા હતા. તેમ છતાં મુજીબુર રહમાનને પોતાના જ લોકો તેમની વિરુદ્ધ આવી કાર્યવાહી કરશે તે વાત પર વિશ્વાસ આવ્યો નહોતો. રૈનાના પુસ્તકમાં જણાવ્યા મુજબ, કાવ તેમને કાવતરું ચાલી રહ્યું હોવાની વાત સમજાવવામાં સફળ રહ્યા નહોતા.પરંતુ આ પ્રથમ અને અંતિમ ચેતવણી નહોતી. માર્ચ 1975માં કાવે RAWના એક વરિષ્ઠ અધિકારીને ફરી ઢાકા મોકલ્યા. આ વખતે માહિતી વધુ ચોક્કસ હોવાનું કહેવાય છે.
અધિકારીએ મુજીબને એવી સૈન્ય ટુકડીઓ અને રેન્ક અંગે માહિતી આપી હતી, જેમાં સેવા આપતા અથવા નોકરીમાંથી દૂર કરવામાં આવેલા કેટલાક સૈનિકો કથિત કાવતરામાં સામેલ હોવાની શંકા હતી. તેમ છતાં, અહેવાલ મુજબ મુજીબુર રહમાને ફરી આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી નહોતી.પછી 15 ઓગસ્ટ 1975ની સવારે સૈનિકો ઢાકાના ધનમંડી રોડ-32 સ્થિત મુજીબુર રહમાનના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની હત્યા કરી. તેમની પત્ની, ત્રણ પુત્રો તથા પરિવારના અન્ય સભ્યોની પણ હત્યા કરવામાં આવી. RAWની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968ના રોજ થઈ હતી અને R.N. કાવ તેના પ્રથમ વડા બન્યા હતા. 1971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન RAWની ભૂમિકા અને મુક્તિ વાહિનીને મળેલા સમર્થનને કારણે કાવને બાંગ્લાદેશની આઝાદીની પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભારતીય ગુપ્તચર અધિકારીઓમાં ગણવામાં આવે છે.
RAWના પૂર્વ અધિકારી બી. રામને પોતાની પુસ્તક‘The Kaoboys of RAW’માં બાદમાં લખ્યું હતું કે મુજીબની હત્યા પછી RAWની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા. કાવનું વલણ હતું કે જો મુજીબને વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેમણે તેને ગંભીરતાથી ન લીધી હોય, તો RAWને સંપૂર્ણ રીતે જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય. આ સમગ્ર ઘટનાક્રમ આજે પણ ભારત-બાંગ્લાદેશના ગુપ્તચર ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પ્રકરણ તરીકે જોવામાં આવે છે.