National

બસ ડ્રાઇવરના ઘરેથી કરોડોની રોકડ અને 15 કિલો સોનું જપ્ત, નોટો ગણતા ગણતા 5 મશીનો બગડ્યા

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્યારેક સામાન્ય સરકારી બસ ડ્રાઇવર તરીકે નોકરી કરતા મીનાર મંડલના ઘરે પોલીસે દરોડો પાડીને કરોડો રૂપિયાની સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ સ્પેશિયલ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 28.5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. બજાર કિંમત અનુસાર જપ્ત કરાયેલા સોનાનું મૂલ્ય જ લગભગ 21 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહ્યું છે.

નોટો ગણતા ગણતા 5 મશીનો ખોરવાયા

બુધવારની મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહી ગુરુવાર સવાર સુધી સતત ચાલુ રહી હતી. દરોડા દરમિયાન રોકડ રકમ એટલી મોટી માત્રામાં મળી આવી હતી કે સ્થાનિક બેંકમાંથી નોટ ગણવાના મશીનો મંગાવવા પડ્યા હતા.

  • અતિશય લોડથી મશીનો બગડ્યા: મળતી માહિતી મુજબ, નોટોનો ઢગલો એટલો મોટો હતો કે ગણતરી કરતી વખતે વધારે લોડ પડવાના કારણે 5 કેશ કાઉન્ટિંગ મશીન ખોરવાઈ ગયા હતા.
  • આંકડો 28 કરોડ પાર: શરૂઆતમાં પોલીસે 5.5 કરોડ રૂપિયાની ગણતરી કરી હતી, પરંતુ જેમ જેમ ઘરના ખૂણેખૂણાની તપાસ વધી, તેમ તેમ કાળુ નાણું 28.5 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું.
  • સીએમની કડક ચેતવણી: આ સફળ કામગીરી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોલીસ ટીમની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં રેતી અને પથ્થર માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ચાલુ રહેશે.

કોણ છે આરોપી મીનાર મંડલ અને શું છે કનેક્શન?

સરકારી બસ ડ્રાઇવરની નોકરીમાંથી વિઆરએસ લીધા બાદ મીનાર મંડલ પથ્થર અને રેતીના કાળા કારોબારમાં સક્રિય થયો હતો. તે વિસ્તારના જાણીતા પથ્થર વેપારી તુલુ મંડલનો સગો સાળો થાય છે.

તુલુ મંડલ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ પ્રભાવશાળી નેતા અનુભ્રત મંડલનો અત્યંત નજીકનો સાથી માનવામાં આવતો હતો. અનુભ્રત મંડલે તાજેતરમાં જ રીતબ્રતા બેનર્જીના નેતૃત્વ વાળા બળવાખોર જૂથમાં સ્થાન લીધું હતું. પોલીસ હવે આ કરોડોની રોકડ અને સોનાના તાર ગેરકાયદે ખનન સિન્ડિકેટ સાથે કેટલા ઊંડા જોડાયેલા છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Most Popular

To Top