સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જેના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.
કલેક્ટરે જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં સરેરાશ લગભગ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં પડ્યો છે, જ્યાં અંદાજે 22.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં 5થી 12 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 5થી 6 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
સતત વરસાદને કારણે કીમ નદી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે ગઈકાલથી જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં અંબિકા નદી કિનારાના ગામો અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
કલેક્ટરે જણાવ્યું કે, આજે સવારે વરસાદનું જોર થોડું ઓછું થયું હતું, પરંતુ સવારે 10 વાગ્યા બાદ ફરી તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ યથાવત હોવાથી તમામ વિભાગોને સતર્ક રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે. સુરત શહેરની મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહે રહી છે. ગઈકાલે કેટલાક સ્થળોએ પાણીનું સ્તર વધ્યું હતું, પરંતુ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રે જણાવ્યું છે. બીજી તરફ તાપી નદી પર આવેલો સિંગણપોર કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં હાલ પાણીનો જથ્થો સુરક્ષિત મર્યાદામાં હોવાનું તંત્રે સ્પષ્ટ કર્યું છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે હાલમાં પાણીની સપાટી લગભગ 320 ફૂટ આસપાસ છે. તેથી હાલ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાની જરૂરિયાત ઉભી થઈ નથી. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઓલપાડ વિસ્તારમાં પણ આજે સવારે SDRFની વધારાની ટીમ મોકલવામાં આવી છે. પોલીસ, SDM, TDO અને અન્ય તમામ વિભાગોની ટીમો સતત મેદાનમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને કીમ નદી કિનારાના ગામોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે, નદીનું જળસ્તર હજુ વધુ વધી શકે છે. તેથી કોઈપણ જોખમ ન લેતા સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હજુ પણ નીચાણવાળા કે જોખમી વિસ્તારમાં રહેતી હોય તો તાત્કાલિક સ્થળાંતર કરવા માટે તંત્રનો સહયોગ લેવા અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે તમામ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.